Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમદાવાદની કુલ ૮ તાલુકા પંચાયતોનાં પ્રમુખની ચૂંટણી

ભાજપ ડેમેજ કંટ્રોલની કવાયતમાં : કોંગ્રેસ પાર્ટી રક્ષાત્મક ભૂમિકામાં : ઉમેદવારો અને સ્થાનિક નેતાઓમાં ઉત્તેજના : સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસના પ્રયાસો

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ જિલ્લાની ૮ તાલુકા પંચાયતોમાં બાકીના અઢી વર્ષની મુદત માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે તા.૧૯ જુનને મંગળવારે યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં સત્તા મેળવવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. ગત ૧૩ જુને ધોળકા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાંં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તેનું પૂનરાવર્તન ન થાય તે માટે ભાજપ શાસિત વિરમગામ, દસક્રોઇ, સાણંદ અને દેત્રોજ તાલુકા પંચાયતમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. તો બીજીબાજુ, કોંગ્રેસ પણ ભાજપ સત્તા આંચકી લેવાના તેના રાજકીય વ્યૂહમાં સફળ ના થાય તે માટે ડિફેન્સીવ સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહ્યું છે. આવતીકાલની ચૂંટણીને લઇ ખાસ કરીને બંને પક્ષના ઉમેદવારો અને સ્થાનિક  નેતાઓમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે.અમદાવાદ જિલ્લાની દેત્રોજ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી બંને પક્ષે ૮-૮ બેઠકો ગત સામાન્ય ચૂંટણીમાં આવી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખની નિયુક્તિ કરાઇ હતી. જેમાં નસીબના જોરે ભાજપે સત્તા મેળવી લીધી હતી. હાલમાં આ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટેના બંને પક્ષો દ્વારા ભરચક પ્રયાસો કરાઇ રહ્યા છે. એકબીજાના સભ્યોને તોડીને સત્તા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો તે સફળ ન થવાની સ્થિતિમાં દેત્રોજ તાલુકામાં પંચાયતમાં ટાઇ પડશે જેમાં ફરીથી અઢી વર્ષની મુદત માટે ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખની વરણી કરાશે. આવી જ કંઇક સ્થિતિ ધોલેરા તાલુકા પંચાયતમાં પણ સર્જાઇ છે. જેની ૧૬ બેઠકોમાંથી ૮ બેઠકો ભાજપની ૫ બેઠકો કોંગ્રેસની અને ૩ અપક્ષની છે. ગત ટર્મમાં કોંગ્રેસ અપક્ષના સહારે સત્તા મેળવવા માટે સફળ રહ્યું હતું. આ વખતે ભારે રસાકસી ચાલી રહી છે. વિરમગામ, બાવળા, ધંધૂકા તાલુકા પંચાયતમાં નજીવી સરસાઇ હોવાથી બંને પક્ષો દ્વારા સત્તા મેળવવા માટે એકબીજાના સભ્યોને તોડવાના પૂરજોરમાં પ્રયાસો શરૂ કરી દેવાયા છે. આજે સોમવારે તા.૧૮ જુનને પ્રમુખ-ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. ઉમેદવારોના ફોર્મ તાલુકા પંચાયતના સેક્રેટરીની કચેરીમાં જમા કરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારના ૧૧-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી ચાલી હતી. જો કે, હવે આવતીકાલની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સ્થાનિક નેતા અને આગેવાનો દ્વારા સત્તા મેળવવાની પોતાની રાજકીય વ્યૂહરચના અને છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધરાયા છે.

(8:48 pm IST)