Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મ્યુનિ વિપક્ષના નેતાપદના માટે જૂના જોગીની પ્રબળ દાવેદારી

હિન્દીભાષી નેતૃત્વ પ્રજાના મતો મેળવવામાં અડચણરૂપ બનશે તેવા ગાણાં વચ્ચે જૂના જોગી વધુ ઉત્સાહિત બન્યા : ભાજપે જૂના જોગીઓને રિપીટ કરી દીધા

અમદાવાદ,તા.૧૮ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ મોવડી મંડળ દ્વારા ગત તા.૧૪ જૂને મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા એમ કુલ ત્રણ ટોચના હોદ્દેદારો માટે જૂના જોગી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. તેમાં પણ અગાઉના હિન્દીભાષી કોર્પોરેટરને બદલે જૈન સમાજના તેમજ સિનિયર કોર્પોરેટરને નેતા પદની જવાબદારી સોંપાતાં મ્યુનિસિપલ કોંગ્રેસમાં પણ આ થિયરીના આધારે નવા સમીકરણ રચાય તેવી શક્યતા સર્જાઇ છે. કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરની મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસના નેતાપદ માટેની અગાઉની દાવેદારી ભાજપનાં નવા સમીકરણને કારણે વધુ પ્રબળ અને મજબૂત બની છે. ગત ઓક્ટોબર ર૦૧પની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે સરદારનગરના હિન્દીભાષી કોર્પોરેટર બિપિન સિક્કાને પક્ષ નેતાની જવાબદારી સોંપી હતી. ભાજપ મોવડી મંડળ દ્વારા પૂર્વ મેયર અને વાસણાના કોર્પોરેટર અમિત શાહને નેતા બનાવીને લોકસભાની ચૂંટણીની તૈયારી તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપની જેમ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા પહેલી ટર્મ માટે ઇંડિયા કોલોની વોર્ડના હિન્દીભાષી કોર્પોરેટર દિનેશ શર્માને નેતા તરીકે પસંદ કરાયા હતા. ભાજપમાં તો શિસ્તનું આવરણ હોઇ બિપિન સિક્કા સામેનો અસંતોષ ભાગ્યે જ સપાટી પર આવ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં પક્ષની તાસીર મુજબ દિનેશ શર્માને નેતાપદેથી હટાવવા અમુક મહત્વાકાંક્ષીઓએ રીતસરનું અભિયાન છેડ્યું હતું. જો કે તેમાં મોવડી મંડળ દ્વારા સમંતિનો સૂર ન પુરાતાં હાલના નેતાને પ્રાણવાયુ સાંપડ્યો હતો પરંતુ હવે જુલાઇના પહેલા અઠવાડિયા સુધી મ્યુનિસિપલ કોંગ્રેસમાં જબ્બર યાદવાસ્થળી સર્જાય તેવી શકયતા છે. અમ્યુકો સૂત્રોના માનવા મુજબ, કોંગ્રેસના આ મહત્વાકાંક્ષીઓનાં પગમાં ભાજપ દ્વારા જૂના જોગીને નેતાપદનું સુકાન સોંપાતાં ફરીથી જોર આવ્યું છે. હવે પક્ષના કેટલાક સિનિયર કોર્પોરેટર લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં પક્ષને હિન્દીભાષી નેતાનું નેતૃત્વ અમદાવાદીઓના મતો મેળવવામાં અડચણરૂપ બનશે તેવાં ગાણાં ગાઇને પોતે નેતા પદે બિરાજવા ફરીથી થનગની રહ્યા છે. જૂના જોગીઓ હવે મ્યુનિ.વિપક્ષના નેતાપદ મેળવવા માટે ભાજપની થિયરીને આગળ ધરી સક્રિય બન્યા છે અને તેને લઇ હવે મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસના નેતાપદની પસંદગીની પ્રક્રિયા વધુ ખેંચતાણભરી બની છે.

 

(8:48 pm IST)