Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આણંદ જિલ્લાના આંકલાવમાં ગરનાળામાં કેમિકલનો કચરો ઠાલવતા લોકોએ રોષ દેખાડ્યો

આણંદ: જિલ્લાના આંકલાવ તાબે નારપુરા રોડ પર ગરનાળામાં કેમિકલનો કચરો ટ્રેક્ટરો દ્વારા ઠલવાતા હોવાની બુમ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.આ ઘટના સંદર્ભેની જાણ તંત્રને થતા જ કાફલો સજજ થઈ તપાસ માટે નિકળ્યો છે. આ કેમિકલ્સ યુક્ત કચરાથી ગ્રામજનોમાં આરોગ્યનો ખતરો તથા પશુઓ અને ખેતી પાકને નુક્શાન જવાની ભીતિ સેવાઈ રહી છે.આખો દિવસ ગરમીમાં આ પાણી ગરમ થાય છે અને રાત્રીના સમયે પવનથી તેની દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં ફરી વળે છે. આ ઘટના અંગે પ્રકાશ પાડતા ગ્રામજનોના જણાવ્યા મુજબ નારપુરા બિલપાડ રોડ પર આવેલ ગરનાળા પાસે છેલ્લા કેટલાય સમયથી કેમિકલ્સ યુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની બુમ પડી રહી છે. આ રોડ પર પસાર થતા આસપાસના ગ્રામજનો દ્વારા આ કેમિકલ્સ યુક્ત કચરો પાણીમાં દેખાતા જ આરોગ્ય અને પશુપાલન તથા ખેતરોમાં પાણીની ગંભીર અસર થાય તેવી વાત ઉઠવા પામી હતી.
 

(5:48 pm IST)