Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

શાકભાજી મોંઘા દાટ : ભાવ ઘટતા દોઢ મહિનો લાગશે

ગવાર, ચોળી, મરચા રૂ. ૮૦ સુધી પહોંચ્યા છે

અમદાવાદ તા. ૧૮ : ગૃહિણીઓને ઉનાળાની ગરમીમાં પણ શાકભાજીની આવક સારી હોવાથી ભાવ સસ્તા હોવાનો લાભ મળતો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી હરાજીમાં આવકો ઘટતાંની સાથે જ રીટેલ શાકભાજીમાં રૂ.ર૦થી ૪૦નો ઉછાળો આવતાં હવે ગૃહિણીઓએ ચોમાસાના દિવસોમાં શાકભાજીના ભાવ વધારાનો સામનો કરવો પડશે. નવા શાકભાજીની આવક માટે હજુ મહિનાથી વધુ સમયની રાહ પણ જોવી પડશે.

શાકભાજીના હોલસેલ વેપારી મનજીભાઇએ જણાવ્યું હતું કે આસપાસના ગામડાંઓમાંથી શાકભાજીની આવક ઘટતી જાય છે. બીજા રાજયોમાંથી ટામેટાં, ગવાર, મરચાં વગેરેની આવક થાયછે. જેમાં ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટશનના ભાડા મોંઘાં થતાં તેની અસરને કારણે શાક પણ મોંઘાં થઇ રહ્યાં છે.

હજુ પણ દોઢ મહિના સુધી આવકનું પ્રમાણ ઓછું રહેવાના કારણે શાકભાજી મોંઘાં રહેશે. આ મહિનાની શરૂઆતમાં ટામેટાં રૂ.૧૦થી ર૦ના કિલોના ભાવે મળતા હતાં. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થતા ભાડાં સાથે રીટેલનો ભાવ ઉછળીને રૂ.૪૦ થયો છે.

ગવાર, ચોળી, મરચાં રૂ.૮૦ સુધી પહોંચ્યા છે. અત્યારે વાવણી સિઝન શરૂ થઇ છે જયાં વાવણી થઇ હતી ત્યાં પાણીનો અભાવ અને વધુ પડતા પવનના કારણે વાવણી નિષ્ફળ થઇ છે. તેથી હજુ નવાં શાકભાજીની આવક માટે ગૃહીણીઓએ દોઢ મહિનો રાહ જોવી પડશે ઓગસ્ટમાં જ શાકભાજીના ભાવમાં ઘટાડો થશે.

(4:02 pm IST)