Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ઉત્તરસંડામાં ખેતરમાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો :બુટલેગર પ્રવીણ ઉર્ફે ગુગો પકડાયો :

પોલીસે દરોડો પાડતા મુખ્ય સૂત્રધાર પ્રવીણ ઉર્ફે ગુગો શિવાભાઈ ડાભીને ઝડપી 2.63 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. બુટલેગરે ગીરે લીધેલ ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે આ બનાવમાં મુખ્ય એક આરોપી સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા 1 કાર મળીને કુલ 2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં તપાસ આદરી છે.

ચકલાસી પોલીસના સ્ટાફે ગતરાત્રે નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉત્તરસંડા ગામે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરની બાજુમાં આવેલ ચરા વિસ્તારના ખેતરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા મુખ્ય સૂત્રધાર પ્રવીણ ઉર્ફે ગુગો શિવાભાઈ ડાભી (રહે. ઉતરસંડા, તા. નડિયાદ)ને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે તેને સાથે રાખી ખેતરમાં તપાસ આદરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ કંપનીના નામની બોટલ નંગ 127  જેની બાજર કિંમત રૂપિયા 63 હજાર 500 તથા એક ઓલ્ટો કાર મળી કુલ રૂપિયા 2 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બુટલેગર આરોપી પ્રવીણ ઉર્ફે ગુગાની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ ખેતરના માલિક મંજુલાબેન કનુભાઈ પરમાર છે અને તેણે તેઓ પાસેથી આ ખેતર ગીરે રાખ્યું હતું. આ ગીરે રાખેલ ખેતરમાં પ્રવિણ ઉર્ફે ગુગો દારૂનો જથ્થો ઉતારી ત્યાંથી તેનો વેપલો કરતો હતો. પોલીસે આરોપી પ્રવીણની અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:49 pm IST)