Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ખેડા તાલુકાના રઢું ગામની સીમમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી 2 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ખેડા તાલુકાના રઢું ગામની સીમમાં પોલીસે બે સ્થળે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ ૩૬૧ કિંમત રૂ. ૨,૦૦,૧૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે ખેડા શહેર પોલીસે કુલ ૭ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા ટાઉન પોલીસ મથકના જવાનો રઢું આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે રઢું ખેડા રોડ પર બાબીયા ની નળીમાં રઢું સીમમાં બાવળની ઝાડી ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો ગામના હરપાલસિંહ દાનુભા રાવલ નાઓએ સંતાડેલ છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી  હરપાલસિંહ સ્થળ પરથી ઝડપી પાડયો હતો.પોલીસે સ્થાન પર ઝાડી ઝાંખરામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ ૩૫૫ કિ. રૂ.૧,૯૪,૧૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે તેની અંગજડતી દરમિયાન બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૫૦૦ મળી આવ્યા હતા. આ સંદર્ભે પોલીસે વિદેશી દારૂ તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૯૯,૬૦૯ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ દારૂ સંદર્ભ પુછપરછ કરતા હરપાલસિંહ જણાવેલ કે આ દારૂ મેં તથા અમારા ગામના દિલીપભાઈ કાળુભાઈ ઠાકોર તથા નરેન્દ્ર સિંહ ઉર્ફે ટોલીયો ચીનુભાઈ ગોહેલ નાઓએ માતરના મનીષ મૂકેશભાઈ જયસ્વાલ પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસ હરપાલ સિંહ રાઠોડ, દિલીપ ઠાકોર, નરેન્દ્ર સિંહ ગોહેલ તથા મનીષ જયસ્વાલ વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:33 pm IST)