Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોદીએ ગાંધી વિચારધારા સાર્થક કરવા ગ્રામ વિકાસને અગ્રતા આપી : બ્રિજેશ મેરજા

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામમાં પ્રભાતફેરી અને વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા ઉપસ્‍થિત રહ્યા હતા.


ગાંધીનગર તા. ૧૮ : આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના સ્‍થાપના દિન નિમિત્તે ગામમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં સહભાગી બનેલા પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના હસ્‍તે ગામમાં રૂપિયા ૮ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પેવર બ્‍લોક કામનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. ચંદ્રાલા ગામના સ્‍થાપના દિન નિમિત્તે મંત્રીશ્રીના હસ્‍તે કેક પણ કાપવામાં આવી હતી.  
સર્વે ગ્રામજનોને ગામના સ્‍થાપના દિન નિમિત્તે અભિનંદન પાઠવી પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું હતું કે, ગામનો વિકાસ મુખ્‍યત્‍વે બે પહેલું પર રહેલ છે. એક પંચાયત અને બીજી સહકારી પ્રવૃત્તિઓ. જેમાં પંચાયત ગામ વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. તો સહકારી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની ઉન્નતિ થાય છે.
આત્‍મા ગામડાનો અને સુવિધા શહેરની તેવું દેશના વડાપ્રઘાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ઇચ્‍છી રહ્યા છે, તેવું કહી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,વડાપ્રઘાનશ્રી રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીની વિચારઘારાને સાર્થક કરવા ગામના વિકાસને પ્રાઘાન્‍ય આપ્‍યું છે. ગામના વિકાસ માટે દેશના વડાપ્રધાને સમરસતા, ખેતતલવાડી, પ્રભાતફેરી, ગ્રામસભા, ગામ અને શાળાના સ્‍થાપના દિવસ જેવા વિવિધ દિવસોની ઉજવણી જેવા ૧૧ આયામો ગ્રામજનોને આપ્‍યા છે.
ગામના વિકાસ થકી જ દેશનો સાચો વિકાસ થશે, તેવું કહી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સમગ્ર રાજયમાં ૧૯૬૨માં પંચાયતી પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. બળવંતરાય મહેતાએ પંચાયત પ્રવૃત્તિને આગળ ઘપાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમજ ચંદ્રાલા ગામ સહિત આસપાસના ગામોમાં કૃષિ- સહકારી અને સમાજિક ક્રાંતિ લાવનાર શ્રી ભૂરાભાઇ ખોડીદાસ પટેલ જેવા અનેક વિભૂતિઓના અમૂલ્‍ય યોગદાન થકી રાજયના અનેક વિસ્‍તારનો વિકાસ થયો છે.
મંત્રી શ્રી બ્રિજેશ મેરજા અને મહાનુભાવોના હસ્‍તે ગાંધીનગર જિલ્લાના દશેલા, ચંદ્રાલા, બાપુપુરા, રખિયાલ અને છત્રાલ ગામના સરપંચ સ્‍વચ્‍છ ગામ રહે તે માટે ઘન કચરાના નિકાલ માટે રૂપિયા ૩૦ લાખથી વધુની કિંમતના ટ્રેકટર-ટ્રોલી અને રીક્ષા- ડસ્‍ટબિન અર્પણ કરવામાં આવ્‍યા હતા. તેમજ ચંદ્રાલા ગામમાં પ્રાકૃતિક ખેતી કરનાર શ્રી રામાભાઇ નાથાભાઇ પટેલ, પ્રહલાદભાઇ કેશાભાઇ પટેલ, જીતેન્‍દ્રકુમાર રમેશભાઇ પટેલ, વિજયભાઇ બાબુભાઇ પટેલ, કાંતિભાઇ માઘવભાઇ પટેલનું પ્રશસ્‍તિ પત્ર આપીને મંત્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર(દ)ના ઘારાસભ્‍ય શ્રી શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી ગુણવંતસિંહ ચાવડા, ગામના સરપંચ શ્રીમતી શિલ્‍પાબેન પટેલ, કેળવણી મંડળના ટ્રસ્‍ટી શ્રી જોઇતાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:07 pm IST)