Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

“ તાઉ-તે “ વાવાઝોડાના પગલે રાજપીપલા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કોઇ દુર્ઘટના નોંધાઈ નથી

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના કુલ-૨૪ ગામોના અંદાજે ૫૨ જેટલા મકાનોને નુકશાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ: DGVCL દ્વારા નુકશાન પામેલ ક્ષતિગ્રસ્ત ૪૪ જેટલા વિજ થાંભલાઓના સ્થાને નવા વિજ થાંભલા ઉભા કરીને વિજ પૂરવઠાનું કરાયું પુન: સ્થાપન : વિજ સમસ્યા દૂર કરવા ૭ ટૂકડીઓ કાર્યરત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતમાં “તાઉ-તે“ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ એવી કોઇ નોંધપાત્ર દુર્ઘટના સર્જાયેલી નથી કે કોઇ જાનહાનિ-પશુહાનિ નોંધાયેલ નથી. દેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોના અંદાજે ૪૮ મકાનો અને સાગબારા તાલુકાના બે ગામના અંદાજે ૪ મકાનો સહિત જિલ્લામાં કુલ-૨૪ ગામોના અંદાજે ૫૨ જેટલા મકાનોને નુકશાન થયેલ હોવાના પ્રાથમિક અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

 નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા કલેક્ટરાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન એકમની કચેરી ખાતે જિલ્લાકક્ષાએ અને દરેક તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત છે. “ તા-ઉતે “ વાવાઝોડા બાદ જિલ્લામાં જે તે વિસ્તારમાં મકાનોને ઓછે-વત્તે અંશે થયેલા નુકશાનના અંદાજો મેળવવા માટે જિલ્લા પ્રશાસન દ્વ્રારા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે અને ત્યારબાદ ઉક્ત સર્વેક્ષણના આધારે સરકારના ધારાધોરણ મુજબ અસરગ્રસ્તોને મકાન સહાય તેમજ નિયમાનુસાર ઘરવખરીની સહાય ચૂકવવા માટે પણ જરૂરી દિશા-નિર્દેશો કરી દેવાયાં છે. 
  પ્રાપ્ત જાણકારી મુજબ દેડિયાપાડા તાલુકામાં તાલુકા પંચાયતની બે ટૂકડી અને મામલતદાર કચેરીની ૧ ટૂકડી સહિત કુલ-૩ ટૂકડીઓ દ્વ્રારા નુકશાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરાઇ છે. તેવી જ રીતે સાગબારા તાલુકામાં મામલતદાર કચેરીની ૧ ટૂકડી અને તાલુકા પંચાયતની ૨ ટૂકડી સહિત કુલ-૩ ટૂકડીઓ દ્વ્રારા નુકશાનીના અંદાજ મેળવવાની કામગીરી કરવાની સાથે ગામ લોકોને ભયજનક સ્થળેથી દૂર રહેવા અને તે અંગેની લોકોમાં જાગૃતિ કેળવવાની કામગીરી પણ થઇ રહી છે.
  પ્રાપ્ત જાણકારી મુજબ માર્ગ અને મકાન વિભાગની ૨ ટૂકડીઓ દ્વ્રારા દેડિયાપાડા તાલુકામાં બ્લોક થયેલાં રસ્તાને ખૂલ્લા કરવાની કામગીરી થઇ રહી છે. આ ટૂકડીઓ તરફથી મોરજડી ખાતેના બે રસ્તાઓ ખૂલ્લા કરીને તેને પૂર્વવત્ કરાયાં છે. તેવી જ રીતે વન વિભાગના RFO ની ૭ જેટલી ટૂકડીઓ દ્વારા વન વિભાગના રસ્તાઓ પરના અવરોધો દૂર કરીને તેને પૂર્વવત્ કરવામાં આવી રહ્યાં છે. કોકમ અને કંઝાલ ગામનો રસ્તો પણ ખૂલ્લો કરાયો છે.
  દક્ષિણ ગુજરાત વિજ કંપની ના રાજપીપલા ખાતેના કાર્યપાલક ઇજનેર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ઉક્ત વાવાઝોડાના પગલે ગઇકાલે જિલ્લામાં કુલ-૨૩ જેટલા વિજ થાંભલાઓને નુકશાન થતા તાત્કાલિક નવા વિજ થાંભલાઓ ઉભા કરીને જે તે વિસ્તારનો વિજ પૂરવઠો પુન: પૂર્વવત કરાયો હતો. તેવી જ રીતે આજે પણ ૨૧ જેટલા વિજ થાંભલાઓને નુકશાન થતાં નવા વિજ થાંભલાઓ ઉભા કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી આ વિસ્તારોમાં પણ વિજ પૂરવઠાનું પુન: સ્થાપન કરાયેલ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.  જિલ્લામાં DGVCL ની ૭ જેટલી ટૂકડીઓ દ્વારા આ કામગીરી થઇ રહી છે

(10:29 pm IST)
  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST

  • કોરોનાને રોકવા માટે જે કરવુ પડે એ કરોઃ તમને ફ્રી હેન્ડઃ ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસીનેશનનો આપ્યો મંત્ર : વડાપ્રધાન મોદીએ દિલ્હી, બિહાર, કર્ણાટક સહિત ૧૦ રાજયોના જીલ્લા અધિકારીઓને કર્યુ સંબોધન : અચકાયા વગર સંપૂર્ણ પ્રયત્ન કરો, મારા તરફથી બધી છૂટ છેઃ મોદીએ અધિકારીઓને ગણાવ્યા ફિલ્ડ કમાન્ડર access_time 3:51 pm IST

  • વિજયભાઈના વડપણ હેઠળ હાઈલેવલ મીટીંગનો ધમધમાટ : ૧૪ કોસ્ટલ જિલ્લાઓની સ્થિતિ અંગે થયું આલકન : ૪૨૩૧ ગામડામાં અંધારપટ : ૧૯૫૮માં પુરવઠો શરૂ : ૩૫૦૨ ફીડર ડેમેજ થયા : ૧૦૭૭ થાંભલાને નુકશાન : ૨૫ ટ્રાન્સફોર્મર ખોરવાયા : અમરેલી - ભાવનગર અને ગીર સોમનાથ સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લા બન્યા access_time 12:47 pm IST