Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટ-અમદાવાદ છ માર્ગીયના કામને બ્રેકઃ ડીસેમ્બરમાં પૂર્ણ થશે

લોકડાઉનની બીકે સેંકડો શ્રમિકો વતનમાં જતા રહેતા રોડ પહોળો કરવાના કામ પર અસરઃ કામગીરી મહદઅંશે ઠપ્પ : રસ્તાના વિસ્તૃતિકરણનું ૮૦%થી વધુ કામ પૂર્ણઃ જુદા જુદા પુલ બનાવવાનું કામ ૬૦% થયુ

રાજકોટ તા. ૧૮ :.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા મહત્વના રાજકોટ-અમદાવાદ રોડને સિકસલેન બનાવવાના કામને કોરોનાના કારણે વધુ એક વખત મુશ્કેલી થઇ છે.

પરપ્રાંતીય શ્રમિકોની વતન ભણી દોટ  મુકાવાથી રોડ પહોળો કરવાનું કામ મહદઅંશે ઠપ્પ થઇ ગયુ છે. હાલ કામ એકદમ ધીમુ પડી ગયુ હોવાથી સપ્ટેમ્બરના લક્ષ્યાંકના બદલે આવતા ડીસેમ્બરમાં કામ પુરૂ થાય તેવા સંજોગો છે.

માર્ગ મકાન વિભાગના ઉચ્ચ વર્તુળોના જણાવ્યા મુજબ એપ્રિલમાં કોરોનાએ માથુ ઉંચકતા ફરી સંપૂર્ણ લોકડાઉન થઇ જવાની બીકથી સેંકડો શ્રમિકો પોતાના વતનના રાજયમાં જતા રહ્યા છે. કેટલાય કોરોનાગ્રસ્ત થતા કામથી દૂર થયા છે. છેલ્લા દોઢેક મહિનાથી દૈનિક ૧ હજારના બદલે એકસો જેટલા શ્રમિકોથી કામ ચાલે છે. શ્રમિકો પરત આવ્યા બાદ કામમાં ફરી ગતિ આવશે.

રસ્તો પહોળો કરવાનું કામ ૮૦ ટકાથી વધુ પુર્ણ થઇ ગયુ છે. માર્ગમાં જે ઓવરબ્રીજ આવે છે તેના નિર્માણનું કામ ચાલુ છે. આ કામ હજુ ૪૦ ટકા જેટલુ બાકી છે. ચોમાસુ નજીક આવી ગયુ છે. છ માર્ગીય રોડનું સંપૂર્ણ કામ આવતા ડીસેમ્બરમાં પુરૂ થવાની ધારણા છે.

(3:59 pm IST)