Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુરતમાં ર઼ેલ્વે ટિકીટોના કાળાબજાર કરનારાની ધરપકડઃ મજુરો પાસેથી ૬૦૦ રુપિયાની ટિકીટના ૩ હજાર લેતો હતો

સુરત: સુરતમાં પરપ્રાંતિય શ્રમિકો પાસેથી ટિકીટના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મજૂરોની લાચારીનો ફાયદો ઉઠાવીને 600 રૂપિયાની ટિકીટના 3 હજાર રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આવો એક કિસ્સો સુરતના પાંડેસર વિસ્તારમાંથી સામે આવ્યો છે. પરપ્રાંતિય ટિકીટોની કાળાબજારી કરનાર બે યુવકોને પકડીને લોકોએ પોલીસને હવાલે કરી દીધા હતા. પોલીસ રેલવે ટિકીટની કાળાબજારીના આરોપમાં બે યુવકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ દીનાથ મૌર્યા અને વિનય મૌર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસર વિસ્તારમાં ગણપત નગર નિવાસી ઘણા લોકો યૂપી જવા ઇચ્છુક છે. તેના માટે તેમણે ફોર્મ ભર્યું છે. ઘણા લોકોએ એડવાન્સના રૂપમાં 600 થી 810 રૂપિયા પણ ચૂકવી દીધા છે. પરંતુ ના તો ટિકીટ મળી છે, ના તો કોઇ સૂચના મળી છે કે ટ્રેન ક્યારે ઉપડશે. આ દરમિયાન તેમને કાળાબજારીઓએ તેમને એમ કહીને ટિકીટ ડિલીવરી માટે બોલાવ્યા કે તે વધારાના રૂપિયા ચૂકવશે તો તેમને તાત્કાલિક તેમનો માણસ આવીને ટિકીટ આપી દેશે.

પ્રયાગરાજ જનાર એક યુવકે મીડિયાને જણાવ્યુંહતું કે એક વ્યક્તિએ ટિકીટના બદલામાં 2800 રૂપિયાની માંગણી કરી હતી. આવા ઘણા લોકો પાસેથી 2 થી 3 હજાર રૂપિયા વસૂલવા જઇ રહેલા બે યુવકોને સ્થાનિક રહીશોએ દબોચી લીધા હતા. આ લોકોએ કાળાબજારી કરી રહેલા બે યુવકોને સ્થાનિક પાંડેસર પોલીસને હવાલે કરી દીધા હતા. લોકોનું કહેવું છે કે આ ટિકીટોના કાળાબજારી કાંડમાં સ્થાનિક મોટાનો હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

(5:57 pm IST)