Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

લોકડાઉનની સ્થિતિમાં ગુજકેટ, નીટ, જેઈઈની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ માર્ગદર્શન

ઘરે બેઠા છાત્રો તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડીંગ કાર્યક્રમનો લાભ મેળવી શકશે

રાજકોટ : હાલમાં કોરોના ના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં ખાસ કરીને રાજયના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ JEE, NEET, Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે.

આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જીએસએચએસઈ બી ગાંધીનગર પર અપલોડ કરાશે.

આ કાર્યક્રમો અપલોડ થતા JEE, NEET, ગુજકેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, નીટની પરીક્ષા માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવીને તેનું પ્રસારણ હાલમાં વંદે ગુજરાત ચેનલ નંબર ૧૨ પરથી બાયસેગના માધ્યમથી થઈ રહ્યું છે. તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ વંદે ગુજરાત ચેનલ નંબર ૯થી થઈ રહ્યું છે.

બોર્ડની youtube ચેનલ પર નીટના ખાસ કાર્યક્રમો તેમજ ધોરણ ૯ થી ૧૨ ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો પણ અપલોડ કર્યા છે. તેનો પણ રાજયના હજારો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. નીટ માટેના ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના લેકચરના વીડિયો JEE અને ગુજકેટ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગી છે.

(11:49 am IST)