Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બારડોલીના અસ્તાન નજીક મજૂરો ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ જતા આઠ ઘાયલ : ચાલક ભાગી ગયો

યુપી જવા માટે માંગરોળથી બારડોલી આવતી વેળાએ રસ્તામાં ટેમ્પો પલ્ટી ખાઈ ગયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં અસ્તાન ગામના 28 ગાળા નજીક રવિવારે વહેલી સવારે પરપ્રાંતિય મજૂરો ભરેલો એક ટેમ્પો પલટી જતાં ટેમ્પોમાં સવાર 21 પૈકી આઠ મજૂરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મજૂરો સોમવારે ટ્રેન પકડી ઉત્તર પ્રદેશ જવાના હોય માંગરોળથી બારડોલી આવી રહ્યા હતા.

   આ અંગે મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકામાં રહેતા 21 જેટલા મજૂરો ઉત્તરપ્રદેશ પોતાના વતન જવા માટે ટ્રેન પકડવાના હોય રવિવારે મળસ્કે ટેમ્પો ભાડે કરી બારડોલી આવવા માટે નીકળ્યા હતા. તેમનો ટેમ્પો બારડોલી તાલુકાનાં અસ્તાન ગામ પાસે પહોંચતા જ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો રોડની બાજુમાં પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારતા જ મજૂરોની મરણચીસોથી આસપાસના લોકો જાગી ગયા હતા. અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી

  ટેમ્પો પલટી જતાં જ ચાલક ટેમ્પોમાંથી નીકળીને નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 21 માંથી 8 મજૂરોને નાની મોટી ઇજા પહોંચતા તેમને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. વતન જવા પહેલા જ અકસ્માત નડતાં મજૂરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. દરમ્યાન બારડોલી પોલીસે ભાગી છૂટેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:15 pm IST)