Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સિવિલમાં દાખલ વૃદ્ધનો મૃતદેહ BRTS બસ સ્ટેન્ડમાંથી મળ્યો

દાણીલીમડા બસ સ્ટેન્ડમાંથી જ મૃત્યુ થયું હતું : મૃતક અને પાંચ અન્ય દર્દીઓએ હોમ આઈસોલેશન માટે કહેવાયું અને એક બસમાં ઘરે લઈ જવામાં આવ્યા હતાં

અમદાવાદ, તા. ૧૭  : એક કંપાવનારી ઘટનામાં શુક્રવારે દાણીલીમડા ક્રોસરોડના BRTS બસ સ્ટેન્ડમાંથી કોરોના પોઝેટિવ દર્દીનો મૃતદેહ મળી આવ્યો. છગન મકવાણા નામના આ ૬૭ વર્ષીય વૃદ્ધ દર્દીને ૧૦મી એ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ૧૪મી મે એ તેમને કોરોનાના લક્ષણો ન હોય તેવા દર્દીના લિસ્ટમાં મૂકવામાં આવ્યા. દાણીલીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.વસાવાએ કહ્યું, મૃતક અને પાંચ અન્ય કોરોના પોઝિટિવ દર્દીઓએ હોમ આઈસોલેશન માટે કહેવાયું અને તેમને એક બસમાં બેસાડીને ઘરે લઈ જવામાં આવી રહ્યા હતાં. દાણીલીમડા બસ સ્ટેન્ડ પર વૃદ્ધને ઉતારીને ચાલતા રોહિત પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે જવા કહ્યું. તે જ દિવસે બપોરે ૧ વાગ્યે સિક્યોરિટી ગાર્ડેને તેમનો મૃતદેહ મળ્યો. વૃદ્ધ અહીં સૂતા હશે તેમ જાણીને ગાર્ડે તેમને જગાડવાનો પ્રયાસ કર્યાે હતો.

             પોલીસના સૂત્રોએ કહ્યું, આ બાદ બીઆરટીએસ બસ સ્ટેન્ડના ગાર્ડે પોતાના સિનિયર અધિકારીની જાણ કરી, જેણે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પોલીસને જાણ કરી. વસાવાએ કહ્યું, અમે બપોરે ૩ વાગ્યે બીઆરટીએસ સ્ટેન્ડ પહોંચ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પિટલમાં મોકલી દીધો. વી.એસના સત્તાધિકારીઓએ જણાવ્યું કે અમને તેમના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી જેમાં મોબાઈલ નંબર હતો. અમે જ્યારે ફોન કર્યાે તો તેમના દીકરા ધર્મેન્દ્રએ ફોન ઉપાડ્યો. પોતાના પિતાનો મૃતદેહ મળ્યાનું સાંભળતા જ ધર્મેન્દ્ર આઘાત સરી પડ્યો. તે માત્ર એટલું જ જાણતો હતો કે તેના પિતા ૧૦મી મેએ સિવિલમાં સારવાર માટે ગયા હતા. ધર્મેન્દ્રએ વી.એસ હોસ્પિટલ પહોંચીને પોતાના પિતાની મેડિકલ હિસ્ટ્રી વિશે જણાવ્યું. પોસ્ટમોર્ટમ બાદ વૃદ્ધના મૃતદેહનો કોવિડ-૧૯ના નિયમો મુજબ અંતિમ સંસ્કાર કરાયો.

(9:45 pm IST)