Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

NFSA કાર્ડ ધારક માટે ૨૭મી સુધી ફ્રી અનાજ વિતરણનો પ્રારંભ

એપીએ-૧ કાર્ડ ધરાવતા ૪.૫૦ લાખ લોકોને લાભ : અનાજ મેળવતી વખતે માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવવા નાગરિકોને સચિવ અશ્વિનીકુમારનો અનુરોધ

અમદાવાદ,તા.૧૭ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યભરના એનએફએસએ કાર્ડ ધારકોને માટે આજથી તા. ૧૭મી મેથી તા. ૨૭મે સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો સસ્તા અનાજના દુકાનો ઉપર પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં રાશનકાર્ડનો છેલ્લો આંકડો ધરાવતા કાર્ડ ધારકોને અગાઉની સિસ્ટમ-વ્યવસ્થા મુજબ પ્રતિદિન તારીખ ૧૭મી મે થી ૨૬મી મે દરમિયાન અનાજ વિતરણ કરાશે. જેનો આજે સવારે ૮:૦૦ કલાકેથી સામાજિક અંતર સાથે પ્રારંભ કરાયો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વધારાના ૩.૫ કિલો ઘઉં તેમજ ૧.૫ કિલો ચોખા આ સાથે જ આપવામાં આવશે. જેમાં આજ સાંજ સુધીમાં સુધીમાં છ થી સાડા છ લાખ લોકો લાભ મેળવશે તેવું અનુમાન છે. મુખ્યમંત્રીના સચિવએ કહ્યું હતું કે આવતીકાલે તારીખ ૧૮મી મેથી ૨૩ મે દરમિયાન અમદાવાદ શહેરના એપીએલ-૧ કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગના લોકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કીલો ચણા અથવા દાળ એમ કુલ ૧૫ કિલો પુરવઠો કુટુંબ દીઠ વિનામૂલ્યે મેળવી શકશે.

           અશ્વિની કુમારે કહ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે એનએફએસએ રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. તદ્દઅનુસાર, જેમનો કાર્ડનો છેલ્લો આંક ૧ અને ૨ છે તેમને તેમને તા.૧૮મી મે, ૩ અને ૪ વાળાને ૧૯મી મે, ૫ અને ૬ વાળાને તા. ૨૦મી મે, ૭ અને ૮ વાળાને તા.ર૧મી મે, ૯ અને શૂન્યવાળાને તા.ર૨મી મે તેમજ અન્ય જે કોઈ એપીએલ-૧ કાર્ડ ધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમને તા. ૨૩મી મે એ અમદાવાદ શહેરમાં અનાજ વિતરણ  કરવામાં આવશે.

           જેને અગાઉ એપ્રિલ માસમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધી વિના મૂલ્યે મફતમાં રાશન આપ્યું હતુ. એ જ રીતે ચાલુ માસમાં અંદાજે ૭૫૦ જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો પરથી પોતાનો જથ્થો મેળવી શકશે. તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦ લાખ લોકોએ તેનો લાભ મેળવશે. અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ માસમાં પણ એપીએલ-૧ કાર્ડ ધરાવતા ૪.૭૦ લાખ કુટુંબોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો હતો. રાજ્યભરમાં એપીએલ-૧ કેટેગરીમાં ૬૧ લાખ કુટુંબોમાં અંદાજે ૨.૫ કરોડ લોકોનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં શરૂ થયેલા વિનામૂલ્યે અનાજ વિતરણ માટે નક્કી કરેલા દિવસોએ નાગરિકોને માસ્ક પહેરીને સંપૂર્ણ સામાજિક અંતર જાળવીને પોતાનો જથ્થો મેળવવા મુખ્યમંત્રીના સચિવએ અનુરોધ કર્યો હતો.

(9:41 pm IST)