Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગાય આડી ઉતરતા વાન ઝાડ સાથે અથડાઈ જતા ગલુદણના સરપંચના પુત્રનું મોત: બીજો પુત્ર ગંભીર

ફૂલનું ડેકોરેશનનું કામ પૂરું કરીને ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

ગાંધીનગર તાલુકાના વડોદરા પાટીયાથી ગલુદણ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત થયું છે. મૃતક યુવક ગલુદણ ગામના સરપંચનો પુત્ર હતો. સરપંચ બળદેવજીનો ફુલ સજાવટનો ધંધો છે. જેમાં રખીયાલમાં ચોરી સજાવીને સરપંચના બે પુત્રો અને ગામના યુવક ગાડીમાં પરત ફરતા હતા ત્યારે ગાય આડી આવતા ગાડી ઝાડમાં ઘૂસી ગઈ હતી.

ગલુદણના સરપંચ બળદેવજી ઠાકોરનો ફુલ ડેકોરેશનનો ધંધો છે રાત્રે એક વાગ્યાના સુમારે તેમના બંને પુત્રો આશીષ અને કીરણ ગામના ત્રણ યુવકો સાથે રખીયાલ ગામે ફુલ ડેકોરેશન માટે ગયા હતા. ચોરી ડેકોરેશનનું કામ પતાવીને સવારે ૬ વાગ્યાના સુમારે તેઓ પરત ફરતા હતા કીરણ મારુતી વાન ચલાવતો અને આશિષ તેની બાજુમાં બેઠો હતો, જ્યારે ગામના ત્રણ યુવકો પાછળ બેઠા હતા. વડોદરા પાટીયાથી ગલુદણ વચ્ચે જતા ત્યારે રોડ ઉપર એકદમ ગાય આવી જતા વાન રોડની સાઈડમાં આવેલા ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેને પગલે આગળ બેઠેલા કિરણ અને આશિષને ઘાયલ થયા હતા જ્યારે પાછળ બેઠેલા યુવકોને મુઢ મારવાગ્યો હતો.

અકસ્માતને પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ યુવકોને દહેગામ સરકારી દવાખાને લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના ડૉક્ટરે આશિષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કિરણને વધુ ઈજાઓ હોવાથી ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. ઘટનાને પગલે અકસ્માત સમયે સાથે રહેલા ગામના યુવક જગદીશ ઠાકોરની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ગુનો નોંધતા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અકસ્માતનો ભોગ બનેલા ફરિયાદી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે,' રખિયાલથી ગલુદણ જતા સમયે વડોદરા પાટીયા ઉટ્યા જ હતા ને રોડની વચ્ચે ગાય આવી ગઈ હતી. કિરણે અચાનક બ્રેક મારતા વાન રોડની સાઈડમાં ખેંચાઈ જતા તાર ફેન્સિંગના થાભલાને તોડીને ઝાડ સાથે અથડાઈ હતી.'

(10:23 pm IST)