Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમદાવાદનાં નરોડા વિસ્તારની બે બહેનોની હત્યાનો ભેદ ઉકેલાયો :18 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચને સફળતા

અનૈતિક સંબંધોની શંકાએ કાકા અને ભત્રીજાએ ભેગા મળી પોતપોતાની પત્નીઓની હત્યા કરી;કાકાની ધરપકડ ;ભત્રીજો ફરાર

અમદાવાદ :શહેરનાં નરોડા વિસ્તારમાં થયેલ બે બહેનોની હત્યાના ભેદને ઉકેલાયો છે ક્રાઇમ બ્રાંચને આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં ૧૮ વર્ષ બાદ સફળતા મળી છે. કાકા અને ભત્રીજાએ ભેગા મળી પોતપોતાની પત્નીઓની હત્યા કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

  વર્ષ ૨૦૦૧માં કાકા ભત્રીજાએ તેમની પત્નીઓની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.મૂળ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલા ભવનપુરામાં રહેતો મુનેશસિંગ ભદોરીયા વર્ષ ૧૯૯૭માં પત્નીને લઇ અમદાવાદ રહેવા માટે આવ્યો હતો, અને કોઈ ખાનગી કારખાનામાં હીરા ઘસવાની કામગીરી કરતો હતો. તેની પત્ની વંદના અવારનવાર કહેતી હતી કે, તે જ્યારે નાની હતી ત્યારે તેના કાકા બિરેન્દ્રસિંગ અવારનાવર તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. વધુમાં તેની પત્નીને ગર્ભ પણ ન રહેતો હોવાથી મુનેશસિંગને તેની પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી.

 આ દરમિયાન પોતાના ગામનો ભત્રીજો નરેન્દ્રસિંગ ભદોરીયા પણ તેની પત્નીને લઇ અમદાવાદ આવ્યો હતો અને બંન્ને પરિવાર એક જ ઘરમાં સાથે રહેતા હતા. નરેન્દ્રસિંગની પત્ની સુંધા સાંજના સમયે કોઇને કહ્યાં વગર અવારનવાર બહાર ફરવા અને મોજમસ્તી કરવા જતી રહેતી હતી. જે અંગે તેને પણ પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી. જે બાદ મુનેશસિંગ અને નરેન્દ્રસિંગ એ બંન્નેને પોતપોતાની પત્નીઓને મારી નાખવા બાબતે વિચાર આવ્યો હતો. વર્ષ ૨૦૦૧માં દિવાળીના બીજા દિવસે સૌ પ્રથમ નરેન્દ્રસિંગે પોતાની પત્ની સુંધાનું ગળું દબાવી હત્યા કરી હતી. જેનો અવાજ આવતા મુનેશસિંગની પત્ની દોડી આવી હતી અને આ ઘટનાને પોતાની આંખે જોઈ હતી. જ્યાં હાજર મુનેશસિંગે પણ દોડી આવેલી તેની પત્નીને દબોચી તેનું પણ ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

 બંને કાકા ભત્રીજાએ પત્નીઓની હત્યાને આત્મહત્યામાં ખપવવા પ્રયાસ કર્યો હતો. મુનેશસિંગે તેની પત્નીનું માથુ નરેન્દ્રસિંગની પત્નીના લાશના ખોળામાં ગોઠવી દીધું હતું. નરેન્દ્રસિંગના બે બાળકો પણ તે સમયે ઘરની અંદર સૂતા હતા ત્યારે ઘરને તાળું મારી બંન્ને ત્યાંથી નાશી છૂટયા હતા. ફરાર થઇ ગયા બાદ જોધપુરથી મુનેશસિંગે પોતાના સસરાના પડોશીની દુકાને ફોન કરી પોતાની પત્નીએ આત્મહત્યા કરી છે માટે તમે બધા અમદાવાદ આવી જાવ તેવું કહ્યું હતું. પરિવારના સભ્યો અમદાવાદ આવી પહોચતા અંતિમ વિધિ કર્યા બાદ હત્યારા કાકા-ભત્રીજા ફરાર થઇ ગયા હતા.

૧૮ વર્ષ જુના ઓનર કિલિંગના આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા મુનેશસિંગની તેના ગામ પાસેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ભત્રીજો નરેન્દ્રસિંહ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. હાલ જેની શોધખોળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે.

(9:01 pm IST)