Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ડમ્પરની અડફેટે બાઇક ઉપર જઇ રહેલો પરિવાર પીંખાયો

પ્રાતિંજના કાટવાડ પાટિયા ખાતે અકસ્માત : અકસ્માતમાં પિતા-પુત્રીના મોત : પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ : અકસ્માત પ્રશ્ને તપાસ

અમદાવાદ,તા. ૧૮ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાટિયા પાસે આજે એક ડમ્પર ચાલકે બાઇક પર જઇ રહેલા એક પરિવારને અડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું, જયારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેણીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડાઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. પિતા-પુત્રીના મોતના સમાચાર જાણી સૌકોઇમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, આરોપી ડમ્પર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અંબાવાડા ગામના કાળુસિંહ વીરસિંહ ઝાલા તેમની પત્ની અને બે વર્ષીય પુત્રી સાથે બાઇક પર પ્રાંતિજના જેસંગપુરા ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે પ્રાંતિજના કાટવાડ પાસે પૂરઝડપે પોતાનું ડમ્પર વાહન ગફલતભરી રીતે હંકારતા ડમ્પરચાલકે કાળુસિંહના બાઇકને જોરદાર રીતે અડફેટે લીધુ હતુ, જેના પરિણામે, પતિ-પત્ની અને માસૂમ પુત્રી બાઇક પરથી જમીન પર નીચે પટકાયા હતા. જેમાં પિતા કાળુસિંહ અને  બે વર્ષીય પુત્રીને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું., જયારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેણીને તાત્કાલિક નજીકની હિમંતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. અકસ્માત બાદ ગભરાઇ ગયેલો ડમ્પરચાલક વાહન ત્યાં જ મૂકીને નાસી છૂટયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ગંભીર અકસ્માતમાં પિતા-પુત્રીના કરૂણ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને આરોપી ડમ્પરચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(7:30 pm IST)