Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બારડોલીના પલસાણા તાલુકાના બારાસડીના રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓ ઉપર મધમાખીઓના ઝુંડનો હૂમલો

બારડોલી :પલસાણા તાલુકાના બારાસડી ગામે રણછોડરાયના મંદિરે દર્શનાર્થીઓ ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોને હાલતમાં બારડોલી સરદાર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેક રણછોડરાયનું મંદિર આવેલું છે. આજે વૈશાખી પૂનમ હોઈ સુરત જિલ્લાભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં અચાનક મધમાખીનો પુડો કોઈ કારણસર છંછેડાયો હતો. જેથી ત્યાં હાજર મોટી સંખ્યામાં ભક્તોને મધમાખી કરડી હતી. તાત્કાલિક તમામને ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ મારફત બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મંદિરે વહેલી સવારથી ભીડ જામી હતી અને મંદિરમાં નીકળતો અગરબત્તીનો ધુમાડો બહાર આવ્યો હતો. ધુમાડો મધમાખીના પૂડામાં જતા માખીઓ ઉડી હતી અને દર્શનાર્થીઓને વળગી પડી હતી. જેને પગલે મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી.

રણછોડરાયનું મંદિર પૌરાણિક મંદિર છે. ડાકોરના રણછોડરાય મંદિર જેટલી આસ્થા અહીં ભક્તોમાં છે. જેથી પૂનમ ભરવા લોકો આવે છે. મધમાખીનું ઝુંડ પ્રથમવાર નહિ, પરંતુ બે વર્ષ અગાઉ પણ આજ પૂનમે કેટલાક ભક્તો ઉપર હુમલો કર્યો હતો. અને જેમાં એક આધેડનું મૃત્યુ પણ થયું હતું. જેથી હોવી મધમાખીના પૂડાનો કાયમી નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(4:39 pm IST)