Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વ્યવસાયિક અભ્યાસક્રમોમાં ૧૦% બેઠકો વધશેઃ સોમવારથી ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાઃ ૧૮ જુલાઇથી પ્રથમ સત્ર

ગુજરાતમાં ઇજનેરીની ૧૩૭ કોલેજો અને ૬૧૦૦૦ જગ્યાઓઃ ગયા વર્ષે અડધી જગ્યાઓ જ ભરાયેલ

રાજકોટ તા. ૧૮ :.. એડમિશન કમીટી ફોર પ્રોફેશ્નલ કોર્ષિસ (એ.સી.પી.સી.) ગુજરાત દ્વારા વ્યવસાયિક ક્ષેત્રે અભ્યાસક્રમો માટે ઓન લાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ધો. ૧ર પછી એન્જીનીયરીંગ ભણવા માટે ઓનલાઇન એડમિશન પ્રક્રિયા તા. ર૦ સોમવારથી શરૂ થશે.

પ્રવેશ પ્રક્રિયાના આયોજનમાં કમીટીના સભ્ય સચિવ અને અમદાવાદની એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજના પ્રીન્સીપાલ શ્રી જી. પી. વાડોદરિયા માર્ગદર્શન આપી રહ્યા છે. નવુ સત્ર ૧૮ જુલાઇથી શરૂ થશે.

આર્થિક પછાત અનામત લાગુ પડયા પછી પ્રથમ વખત પ્રવેશ પ્રક્રિયા થઇ રહી છે. રાજય સરકારે દરેક વ્યવસાયિક અભ્યાસક્રમમાં ૧૦ ટકા બેઠકો વધારવાનું નકકી કર્યુ છે. રાજયમાં એન્જીનીયરીંગની કુલ ૧૩૭ કોલેજો અને ૬૧ હજાર જેટલી બેઠકો છે.

જેમાંથી ગયા વર્ષે ૩૦ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. ૧૦ ટકા બેઠકો વધવાથી જયાં વિદ્યાર્થીઓનો  ઘસારો છે તેવી કોલેજોને અને વિદ્યાર્થીઓને ફાયદો થશે.  જયાં બેઠકો ખાલી રહે છે તેવી કોલેજોમાં બેઠકોની સંખ્યા વધવાથી વધુ બેઠકો ખાલી રહેશે. સરકાર કક્ષાએ આર્થિક અનામતના અમલની ચર્ચા ચાલી રહી છે. બેઠકોનો વધારો કઇ રીતે કરે છે ? તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

એ.સી.પી. સી. એ જાહેર  કર્યું છે કે ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) પછીના ડીગ્રી એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે  રાજય સરકારે સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાઓની સ્વેચ્છાએ સુપ્રત કરેલ હોય તેવી સંચાલક મંડળની બેઠકો માટે પ્રવેશ વર્ષ ર૦૧૯ દરમ્યાન વેબ બેઇઝ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નકકી કરેલ છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરનેટ માધ્યમ ઉપલબ્ધ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશ સમિતિ દ્વારા નિર્ધારીત હેલ્પ સેન્ટરનો વિનામુલ્યે ઉપયોગ કરી શકશે. હેલ્પ સેન્ટર તથા બેંકની શાખાઓની વિગત વેબસાઇટ www.jacpcldce.ac.in  અને www.gujacpc.nic.in  ઉપર મુકવામાં આવેલ છે તથા માહિતી પુસ્તિકામાં ઉપલબ્ધ છે. માર્ગદર્શન માટે પ્રવેશ સમિતિનાં ર૪ કલાક કાર્યરત હેલ્પ લાઇન નંબર ૦૭૯ -ર૬પ૬૬૦૦૦ ઉપર સંપર્ક કરી શકો છે.

એડમીશન રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીએ નિયત યાદી મુજબની આઇસીઆઇસીઆઇ બેન્કની નિર્ધારીત શાખાઓ ખાતેથી રજિસ્ટ્રેશન ફી રૃા. ૩પ૦ રોકડા (નોન-રીફન્ડેબલ) આપી તા. ર૦-પ થી તા. ૪-૬ સુધી કામકાજના સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) માહિતી પુસ્તિકા તથા પીઆઇએન મેળવવાના રહેશે.

ઓનલાઇન એડમિશન માટે ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ www.gujacpc.nic.in   પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન તા. ર૦-પ-ર૦૧૯ બપોરે ર કલાકથી તા. ૪-૬-ર૦૧૯ સાંજના પ કલાક સુધી કરાવવાનું રહેશે. ત્યારબાદ ઓન લાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે નહીં.

(3:43 pm IST)