Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગાંજાનું નેટવર્ક છિન્નભીન્ન કરવા સીઆઇડી વડા આશીષ ભાટીયા મેદાને

ગુજરાતમાં તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા ગાંજાના ઓનલાઇન કારોબારથી ગાંધીનગર ચોંકી ઉઠયું: ડ્રગ્સ માફીયાઓ સામે જંગ શરૃઃ સીઆઇડીની નાર્કોટીક સેલ તથા રેલ્વે પોલીસ દ્વારા સરખેજ આણંદ સર્કલ નજીકથી ગાંજાના ૧૦ પાર્સલ સાથે એક મહિલા સહિત બેની ધરપકડ

રાજકોટ, તા.,૧૮: ગુજરાતમાં પંજાબની માફક મોટે પાયે ગાંજા સહીતના નશીલા પદાર્થોનું વેચાણ થઇ રહયાની માહીતી આધારે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ  દ્વારા ૧૦ દિવસમાં ૧૧ કિલો ગાંજો અને ભાવનગર એસઓજી દ્વારા ભાવનગરના પ્રતિષ્ઠીત પરિવારના પુત્રને ગાંજા સાથે પકડયા બાદ ગાંજાના ઓનલાઇન કારોબારની હકિકત ખુલવા સાથે જ ગાંધીનગર ચોંકી ઉઠયું છે. ગાંજાના કારોબારને નેસ્તનાબુદ કરવા માટે રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયાને મહત્વની જવાબદારી સુપ્રત કરતાની સાથે જ એક મહિલા સહીત કુલ બે શખ્સોને ર૦ કિલો અને ૩ર૩ ગ્રામ ગાંજાના ૧૦ નંગ પાર્સલ કબ્જે કરાવ્યા છે.

સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયા કે જેઓની અન્ડરમાં ગુજરાત રેલ્વે પોલીસ છેે તેઓ દ્વારા રેલ્વે પોલીસને પણ  ગાંજા સહીતના નશીલા પદાર્થોની હેરફેર અટકાવવા માટે તાકીદ કરવાના પગલે રેલ્વે પોલીસના નાયબ અધિક્ષક પિયુષ પીરોજીયા તથા ડીવાયએસપી એસ.એલ. ચૌધરી(નારકોર્ટીક સેલ) દ્વારા હેડ કોન્સ્ટેબલ પરીમલ ઇન્દ્રપાની બાતમીના આધારે સરકારી વાહનો છુપાવી દઇ વેષપલ્ટા કરી ગોઠવાઇ ગયા હતા.

આ દરમિયાન એક કાળા કલરનો શર્ટ પહેરેલો શખ્સ બાઇક લઇને ઉભો હતો આ દરમિયાન એક ઓટો રિક્ષા આવી અને તેમાંથી પાર્સલ ઉતારતા સમયે જ સીઆઇડી ક્રાઇમની નાર્કોટીક સેલ અને રેલ્વે પોલીસ દ્વારા કોર્ડન કરી ઉકત આરોપીઓને ઝડપી લીધા હતા. આ દોડધામ દરમિયાન આરોપી લક્ષ્મણસંગ પ્રતાપસંગ સોલંકીએ ભાગવાની કોશીષ કરતા તે પડી જતા કમ્મરના ભાગે ઇજા થયેલ છે.

સરખેજ સાણંદ સર્કલ અને વિરમગામ હાઇવે પરથી ઝડપાયેલ ગાંજાના જથ્થામાં જશોદાબેન નામની સતવારા મહિલા પણ ઝડપાઇ હતી. આ બેન અમદાવાદના વટવાના હોવાનું બહાર આવ્યું છે. ગાંજાનો આ જથ્થો સુરતમાંથી આવ્યો હોવાનું જાણવા મળતા સીઆઇડીના સુરત યુનીટ તથા ગુજરાત રેલ્વે પોલીસને પણ સીઆઇડી વડા આશીષ ભાટીયાએ તે દિશામાં તપાસ કરવા આદેશ કર્યા છે.

કુલ ૧૦ નંગ પાર્સલ ખાખી સેલોટેપથી  વિંટાળેલ હતા. એફએસએલ અધિકારીઓની રૂબરૂમાં તપાસ કરતા ર૦,૩ર૩ કિલોગ્રામ ગાંજો કે જેની અંદાજી કિંમત ર,૦૩,ર૩૦ નો હોવાનું ખુલવા પામતા ગાંજા અને  બાઇક, મોબાઇલ વિ. મુદામાલ કબ્જે કરી ધી એનડીપીએસ એકટ કલમ ૮(સી), ર૦(બી) અને ર૯ મુજબનો ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)