Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લાખો રૂપીયાના પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ સીઆઇડીએ પકડી પાડયું

દિલીપસિંહ ઠાકોર ગેંગના એક ડઝન સાથીઓ દ્વારા સિધ્ધપુર નજીકના ખુલ્લા પ્લોટમાં ટેન્કરોમાંથી વિશેષ સાધનો દ્વારા ખુલ્લેઆમ ચોરીઓ ચાલતી હતીઃ સીઆઇડી વડા આશિષ ભાટીયા-અજયકુમાર તોમર અને એસ.એસ. રઘુવંશીના સુપરવીઝન હેઠળની ટીમે ૯૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ, તા., ૧૮: ગુજરાતના વિવિધ શહેર જીલ્લાઓ અને ખાસ કરીને સિધ્ધપુર(પાટણ)માં આવેલ આઇઓસી અને બીપીસીએલ તેમજ ચંદીસર ખાતે આવેલ આઇઓસીના ડેપોમાંથી ટેન્કર મારફતે પેટ્રોલ તેમજ ડીઝલ ચોરીનું વ્યાપક નેટવર્ક ભેદવામાં  સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની ટીમને સફળતા મળી છે. મુખ્ય આરોપી સહિત એક ડઝન શખ્સોને મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યાનું સીઆઇડી સુત્રો જણાવે છે.

પેટ્રોલ-ડીઝલ ચોરીનું રાજય વ્યાપી મોટું કૌભાંડ ચાલી રહયાની બાતમીના આધારે સીઆઇડી વડા આશીષ ભાટીયાએ આ માટેની મહત્વની જવાબદારી સીઆઇડીના અધિક પોલીસ મહાનિર્દેશક અજયકુમાર તોમરના સુપરવીઝન હેઠળ સીઆઇડી ગાંધીનગરના ડીવાયએસપી એસ.એસ. રઘુવંશી ટીમને સુપ્રત કરતા જ તાકીદે કાર્યવાહી કરવામાં આવી હતી.

પાટણ જીલ્લામાં સિધ્ધપુર ખાતે મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલ આશાપુરા ઢાબા અને અમરદીપ હોટલની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં પેટ્રોલ-ડીઝલ લઇ જતા ટેન્કરોમાંથી ઓઇલ ચોરીની પ્રવૃતી કરતી ગેંગ પર ત્રાટકી એક ડઝન શખ્સોને પકડવા સાથે પાંચ વાહનો ચોરીનો પેટ્રોલ-ડીઝલનો ુમુદામાલ, રોકડ રકમ ૬૬,૩૩૦, મોબાઇલ ફોન-૧પ, ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂ. ૯૧ લાખ ૬૯ હજાર ૭૮૧નો મુદામાલ પકડી પાડેલ છે.

ડીઝલ-પેટ્રોલ ચોરીના ધંધાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે દિલુજી મેરૂજી ઠાકોર (ચૌહાણ) (રહે. ગામ રાજપુર, તા. સિધ્ધપુર, જી.પાટણ)ને સીઆઇડી ટીમે સ્થળ પરથી જ પકડી પાડી આ બાબતે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

(3:26 pm IST)