Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડોદરા - અમદાવાદ નેશનલ હાઇવે પર ટોલ ફીમાં વધારો

એકસપ્રેસ વે કરતા હવે નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી

મુંબઇ તા. ૧૮ : વડોદરા – અમદાવાદ વચ્ચે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝા ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો છે. ગઇકાલથી જ આ વધારો અમલી બનતાં હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા – અમદાવાદ વચ્ચેનાં એકસપ્રેસ વે કરતાં વધુ મોંઘી બની જવા પામી છે. આઇઆરબી અમદાવાદ – વડોદરા સુપર એકસપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટોલ ફી વધારો ગઇકાલથી જ અમલી બનાવવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધુ ચૂકવવો પડશે. જેમાં મોટરકારની ટોલ ફી રૂપિયા ૧૦ વધીને હવે ૧૨૦ વસૂલાય છે. જયારે એલસીવીની ફી રૂપિયા ૧૭૫થી વધીને હવે રૂપિયા ૧૮૫ થઇ ગઇ છે.

તો બસ – ટ્રકની ફી વધીને રૂપિયા ૩૮૫ થઇ ગઇ છે. જયારે વડોદરા – અમદાવાદ એકસપ્રેસ વે પર હાલમાં મોટરકારની ટોલ ફી રૂપિયા ૧૧૦ છે. એલસીવીની ફી રૂપિયા ૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂપિયા ૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફી રૂપિયા ૨૦ વધૂ ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો પણ ટ્રાફિક આ રોડ પર વધુ રહે છે. મોટરકારનો ટ્રાફિક પણ નેશનલ હાઇવેની તુલનાએ વધુ રહે છે. આમ એકસપ્રેસ વે કરતાં સુપર એકસપ્રેસ વેની ટોલ ફી વધુ રહેતી હોવાથી એકસપ્રેસ વે પર વધુ ટ્રાફિક રહેતો હોવાનુ બહાર આવ્યું છે.

૧લી એપ્રિલથી વડોદરા – અમદાવાદ એકસપ્રેસ વે ખાતેથી ટોલ ફી વધારો અમલી બન્યો હતો. આથી દુમાડ ખાતેથી લેવાતી ટોલ ફી દોઢ મહિનો વધુ વસૂલવાનું શરૂ થયું હતુ. જયારે વાસદ ખાતેની ટોલ ફી ગઇકાલથી અમલી બની હતી.

(9:53 am IST)