Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

છેલ્લા સાત વર્ષથી શહેરમાં વૃક્ષોની ગણતરી કરાઇ નથી

અમદાવાદના ગ્રીન કવર સામે ગંભીર ખતરો : છેલ્લા સાત વર્ષમાં હજારો મહામૂલા અને કિંમતી વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયું : ઘણા વિસ્તારોમાં એકેય વૃક્ષો નથી

અમદાવાદ,તા. ૧૭ : અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરના નાગરિકો અને પશુ-પક્ષીઓ અને જીવ માત્ર વૃક્ષનો છાંયડો કે બેઘડીનો વિરામ શોધી રહ્યા છે પરંતુ કરૂણ વાસ્તવિકતા એ છે કે, શહેરમાં વૃક્ષોની સંખ્યા બહુ ચિંતાજનક રીતે ઘટી રહી છે. જેના કારણે, અમદાવાદના ગ્રીન કવર સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. જેની સીધી અસરો પર્યાવરણ અને વાતાવરણ પડશે તે નક્કી છે. બીજીબાજુ, અમદાવાદ શહેરમાં છેલલા સાત વર્ષથી શહેરમાં વૃક્ષોની ગણતરી કરાઇ નથી. છેલ્લા સાત વર્ષમાં શહેરમાં તેમ જ એસજી હાઇવે, એસપી રીંગ રોડ સહિતના વિસ્તારોમાં હજારો મહામૂલા અને કિંમતી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં તો સમ ખાવા પૂરતું છાંયડા કે વિસામા માટે એક ઝાડ પણ જોવા મળતુ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસામાં મોટાપાયે વૃક્ષ વાવણીની ઝુંબેશ શરૂ કરશે અને અમદાવાદને ગ્રીન અમદાવાદ બનાવવાની  ફરી એકવાર કવાયત હાથ ધરશે. ગત ચોમાસામાં શહેરમાં સવા લાખથી વધુ રોપા વાવ્યાનો અમ્યુકો તંત્રએ દાવો કર્યો હતો પરંતુ તેમાંથી કેટલા ઉગ્યા તે મહત્વનું છે, રોપા ઉગે તે પહેલાં જ તેનો નાશ થઇ જવા પાછળથી તંત્રની ઉદાસીનતા અને યોગ્ય મોનીટરીંગ નહી હોવાની સીસ્ટમ પણ એટલા જ જવાબદાર છે. આ વખતે ચોમાસામાં અમ્યુકો દ્વારા સૌપ્રથમવાર દસથી બાર ફુટ ઉંચા પાંચ લાખ મોટા રોપા વાવવાનો નિર્ણય કર્યો છે અને પાંચ લાખ નાના રોપાની વાવણી કરાશે. આમ, શહેરમાં કુલ દસ લાખ રોપા વાવવાનું અમ્યુકોનું પ્લાનીંગ છે. દરેક વોર્ડમાં અર્બન ફોરેસ્ટ બનાવાશ અને આ માટે જાપાની મીયાવાડી પધ્ધતિનો ઉપયોગ કરાશે. કોર્પોરેટ કંપનીઓએ પણ ગ્રીન અમદાવાદના સંક્લ્પ હેઠળ ફરજિયાતપણે વૃક્ષારોપણ કરવાનું રહેશે. જો કે, આ બધી કવાયત અનવૃક્ષ ઉછેરની ઝુંબેશ વચ્ચે અમદાવાદમાં છેલ્લા સાત વર્ષમાં વૃક્ષોની કોઇ ગણતરી જ હાથ ધરાઇ નથી, ઉલ્ટાનું છેલ્લા સાત વર્ષમાં લાખોની સંખ્યામાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી વિકાસના ઓઠા હેઠળ પ્રાચીન અને મહામૂલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. અમદાવાદમાં છેલ્લે વનવિભાગ દ્વારા ૨૦૧૨માં કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ, શહેરમાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ નોંધાયા હતા, જેમાં મુખ્ય વૃક્ષોમાં લીમડાના સૌથી વધુ ૧,૪૨,૭૬૮ વૃક્ષ, આસોપાલવના ૭૦,૫૫૦, પીપળાના ૨૦,૧૭૭ અને વડના ૯,૮૭૦ વૃક્ષો હતા. ૨૦૧૨ની વૃક્ષ ગણતરી પ્રમાણે, શહેરમાં માત્ર ૪.૬૬ ટકા ગ્રીનરી હતી, જેની સામે હાલ આ ગ્રીન કવર પાંચ ટકાની આસપાસનું હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ વૃક્ષારોપણના કાર્યક્રમો અને રોપાવાવણી ઝુંબેશ પાછળ લાખો રૂપિયા ખર્ચાયા બાદ પણ પરિણામ કંઇ નહી હોવાની વાસ્તવિકતા સામે છે.

ગંભીર, ચિંતાજનક અને આઘાતજનક વાત એ છે કે, અમદાવાદનું ગ્રીન કવર રાજયના વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેર કરતાં પણ ઓછું છે. ૨૦૧૨ના વૃક્ષોના આંક જોઇએ તો, શહેરના પશ્ચિમ ઝોનમાં ૮૪,૦૩૫  વૃક્ષો, ઉત્તર ઝોનમાં ૬૦,૬૭૭, દક્ષિણ ઝોનમાં ૮૯,૮૬૩, નવા પશ્ચિમ ઝોનમાં ૮૪,૧૮૯, વન વિભાગની જમીનમાં ૧,૭૪,૯૭૯ અને ૨૪૦ મ્યનિસિપલ બાગ બગીચામાં ૨૫,૨૯૦ વૃક્ષ નોંધાયા હતા. પરંતુ એ પછીના સાત વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે અને લાખો કિંમતી અને મહામૂલા વૃક્ષોનો સોથ વાળી દેવાયો છે. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના વૃક્ષોની ગણતરી કરવા વનવિભાગને લેખિત રજૂઆત કરાઇ છે પરંતુ હજુ સુધી વનવિભાગ તરફથી કોઇ કાર્યવાહી થઇ નથી, તે પણ બહુ ગંભીર અને શરમજનક વાત કહી શકાય.

(8:59 pm IST)
  • પાટનગરમાં ખુલ્લેઆમ ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યા : દિલ્હીના જાહેર રસ્તા ઉપર એક યુવક ઉપર આશરે ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યાં : અસામાજીક તત્વોનો બેફામ ગોળીબાર access_time 3:29 pm IST

  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • માઉન્ટ એવરેસ્ટ ચઢતા વધુ બે પર્વતારોહકોના મોત : મૃતકોમાં એક ભારતીય જવાન access_time 3:28 pm IST