Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

યુવાનોની શક્તિ રાષ્ટ્ર શક્તિ છે : મુખ્યમંત્રી રૂપાણીનો મત

સ્વામિનારાયણ સંપ્રદાયે સંસ્કૃતિને ઉજાગર કરી : કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સહજાનંદી યુવા શિબિરનો પ્રારંભ : મુખ્યમંત્રી રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ,તા.૧૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૧ મી સદી ભારતની સદી છે, ત્યારે યુવાનોને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરી સમગ્ર વિશ્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા આહવાન કર્યુ હતું.         આ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. યુવાનોની શક્તિ એ જ જ્ઞાનશક્તિ છે, ત્યારે યુવાનોને મહત્તમ તકો આપી તેમની રચનાત્મક શક્તિઓનો રાષ્ટ્ર ઘડતરમાં ઉપયોગ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.     મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સહજાનંદી યુવા શિબિરને પ.પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી સંતો મહંતો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ સ્પિરીરયુઅલ લીડરશીપ પુસ્તકના ગુજરાતી હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન કરી પ.પૂ.જ્ઞાનજીવનદાસ સ્વામીના આશીર્વાદ લીધા હતા. તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપણી ઋષિ પરંપરા અનુરૂપ આધ્યાતિમકતા સાથે યુવાનોનું ઘડતર થઇ રહ્યુ છે. જેને પરિણામે ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બન્યો છે. વિજય રૂપાણીએ સંત પરંપરાને કારણે ધર્મ અને સંસ્કૃતિ સલામત છે તેમ જણાવતા ઉમેર્યુ કે સત્ય, ન્યાય, નીતિ, સદાચારના આધાર પર 'સ્વ'થી સમષ્ટી, 'આત્મા'થી પરમાત્મા અને જીવથી શિવની પ્રાપ્તિ થાય છે. ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને દિશા દર્શન કરાવ્યું છે. આપણી સંસ્કૃતિ સર્જન અને સૌના સુખે સુખી- સૌના દુખે દુખી તેમજ બીજાને મદદરૂપ થવાની પ્રેરણા આપે છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા યુવા ક્રાંતિકારીઓએ શહીદી વહોરી ભારતમાતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ યુવાનોને સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદ સાથે જીવનમાં ધીરજ-હિંમતપૂર્વક અને નીડરતાથી આગળ વધવાની શીખ આપી હતી. યુવાનોએ પોતાની સામેના પડકારો જીલીને સમાજ અને રાષ્ટ્રજીવનમાં શ્રેષ્ઠ નેતૃત્વ પુરૂ પાડવા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. પ.પૂ.સ્વામી જ્ઞાનજીવનદાસજીએ મુખ્યમંત્રીને સંવેદનશીલ અને મોટા મનના માણસ ગણાવતાં જણાવ્યું હતું કે જીવ માત્રના કલ્યાણ માટે વરેલા મુખ્યમંત્રીના કામો દ્વારા તેમનું વ્યક્તિત્વ ઉભર્યુ છે. ગુજરાતની સુખ-સમૃધ્ધિ અને વિકાસ માટે તેમણે મુખ્યમંત્રીશ્રીને શુભાષિષ  પાઠવ્યા હતા.

(8:56 am IST)