Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ ત્રણ જિલ્લાઓને થશે અસર

પાઈપલાઈનનું મરામત કાર્ય શરૂ : 700 જેટલા ગામને અસર પરંતુ કાલે આ તમામ ગામને ડબલ પાણી

ગાંધીનગર: રાજ્યમાં પાણીની અછત વચ્ચે રાજકોટના કોઠારીયા પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું છે, આ લાઇન તૂટવાને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા ગંભીર ગણી રહ્યા છે  આ પાણીની લાઇન તૂટવાથી ત્રણ જિલ્લાને અસર થશે. આગામી સમયમાં આ પ્રકારની સમસ્યાના સર્જાય તેના માટે પણ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે લાઇન રીપેરીંગ કર્યા બાદ તે બાબતની પણ ગંભીરતા રાખી કારણ શોધવામાં આવશે.

  રાજકોટ પાસેના કોઠારિયામાં ગત મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું. પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ કહ્યું કે, ગત મોડી રાત્રે પાઈપલાઈન તૂટવાના બનાવની જાણ થઈ હતી. જેને લઈને તાત્કાલિક અસરથી મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીની લાઈન તૂટવાનો બનાવ એ દુઃખદ બાબત છે, આ પાણીની લાઇન તૂટવાથી ત્રણ જિલ્લાને અસર થશે.

   મેમ્બર સેક્રેટરી તુષાર ધોળકિયાએ કહ્યું કે, પાણીની પાઇપ લાઇન તૂટવાથી 700 જેટલા ગામને અસર થશે, પરંતુ આવતીકાલે આ તમામ ગામને ડબલ પાણી આપવામાં આવશે. ગત મોડી રાતથી જ લાઇન રીપેરીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. પુરવઠા નિગમના એન્જિનિયરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 20 M.L. જેટલા પાણીનો બગાડ થયો છે. પરંતુ તે પાણી નદીમાં ગયું હોવાથી પશુઓને પીવાના કામમાં આવશે. રાજકોટના ગૌરીદડથી રતનપર જવાના રસ્તા ઉપર પાણી ભરાયું હતું. પરિણામે એક દિવસ આ વિસ્તારમાં પાણીનો કાપ મુકવામાં આવ્યો છે.

(7:40 pm IST)