Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડોદરામાં પાણીની ટાંકી મુદ્દે કોંગ્રેસના હંગામા બાદ ટાંકી સાફ કરતા ૮ ટ્રેકટર ભરીને કાદવ નીકળ્યો

વડોદરા :ગઈકાલે વડોદરામાં પાણીની ટાંકીની સફાઈના મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ બોલાવ્યું હતું. જે ટાંકીની સફાઈ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો હતો. પાણીનો સંપ છે, જેમાંથી વિસ્તારના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. હજી ત્રણ મહિના પહેલા સાફ કરેલી ટાંકીના સંપમાંથી દુર્ગંઘ મારતો કાદવ નીકળતા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાણીની ટાંકીની સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે 8 ટ્રેક્ટર ભરાય એટલો કાદવ-કીચડ તેમાંથી નીકળ્યો હતો. સંપમાં અડધા ફૂટ સુધી રગડો જામેલો હતો. જેને મોટર દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. સંપની સફાઈ દરમિયાન ગેસ જેવી એટલી તીવ્ર વાસ આવતી હતી કે, કામગીરી પણ બે-ત્રણ કલાક અટકી પડી હતી.

આમ, જે સંપમાંથી સમગ્ર વિસ્તાર પીવાનુ પાણી પહોંચાડવામાં આવે છે, તે ટાંકીમાં આવી દુર્ગંધ મારતું કીચડ હોય તો સમજી શકાય કે લોકોના આરોગ્ય સાથે કેવી રીતે ચેડા કરવામાં આવે છે. પાણી લોકો પીએ છે. હજી 3 મહિના પહેલા સાફ કરેલા ટાંકીના સંપમાંથી દુર્ગંધ મારતો કાદવ નીકળતા તંત્રની નિષ્કાળજી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, નિમેટા વોટર ટ્રીટમેન્ટ પલાન્ટનું યોગ્ય રીપેરીંગ કામ નહીં થાય ત્યાં સુધી દર ત્રણ મહિને પ્રકારનો કચરો નીકળશે.

કોંગ્રેસનું હલ્લાબોલ

વડોદરામાં દૂષિત પાણીથી બે લોકોના શંકાસ્પદ મોત થયા છે, જેથી દૂષિત પાણીનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ કાર્યકરો સાથે તરસાલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઉતર્યા હતા. પ્રશાંત પટેલે પાણીમાંથી હાથમાં કાદવ લઈને અધિકારીને બતાવ્યું હતું. સાથે કોર્પોરેશન પર 300 કરોડના પાણી કૌભાંડનો આક્ષેપ કર્યો છે. એટલું નહી પ્રશાંત પટેલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાકટર રાજકમલ અને પાણી પુરવઠાના અધિકારીઓ સામે લોકોને દૂષિત પાણી પીવડાવા બદલ ક્રીમીનલ કેસ દાખલ કરવા માંગ કરી છે. કોંગ્રેસ પ્રમુખ સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. તેમના આવા ઓચિંતા હલ્લાબોલથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ પણ જીવના જોખમે કોઈ સુરક્ષા સાધનો વગર સફાઈ કરી રહ્યા હતા.

જીવના જોખમે સફાઈ કરતા કર્મચારીઓ

તરસાલી સહિત પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ટાંકીની સફાઈ કરતા કોન્ટ્રાકટર મજબૂરીમાં સફાઈ કર્મચારીઓને જીવના જોખમે ટાંકીમાં ઉતારી રહ્યા છે. માત્ર કાપડનું માસ્ક પહેરી કર્મચારી ટાંકીમાં ઉતરી રહ્યા છે, જેના કારણે તેમનો જીવ રામભરોસે છે. કોન્ટ્રાકટરે કોર્પોરેશન પાસે ઓક્સિજન માસ્ક માંગ્યા તેમ છતાં માસ્ક આપતા છેવટે કાપડના માસ્કથી કામગીરી કરવી પડી રહી છે. મહત્વની વાત છે કે, કોન્ટ્રાકટર રાહુલ શર્મા કહે છે આજવા નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ગંદુ આવે છે, ત્યારે ટાંકીની સાફ કર્યા બાદ પણ પાણી ચોખ્ખું નહી મળે.

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વડોદરામાં દૂષિત પાણીનો પોકાર છે. ઠેકઠેકાણે નળમાંથી દૂષિત પાણી આવી રહ્યું છે. દૂષિત પાણીના કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકો રોગચાળામાં સપડાઈ રહ્યા છે. સાથે લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. તેમ છતાં કોર્પોરેશન તંત્ર દૂષિત પાણીના મૂળ સુધી નથી પહોચી શકી, ત્યારે કોંગ્રેસે આવનારા સમયમાં લોકોને ચોખ્ખું પાણી નહી મળે તો આક્રમક તેવર દર્શાવવાના સંકેત આપી દીધા છે.

(5:13 pm IST)