Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ગ્રામ્ય કોર્ટમાં વકીલો ૨૩મી મે સુધી કામગીરીથી અળગા

કાળઝાળ ગરમીના કારણે નિર્ણય કરવામાં આવ્યોઃ અમદાવાદ સહિત ગુજરાતની નીચલી કોર્ટોમાં વકીલ અને પક્ષકારોની હાલ ઝાડા-ઉલ્ટી સહિતની શ્રેણીબદ્ધ ફરિયાદો

અમદાવાદ, તા.૧૮, ઉનાળાની કાળઝાળ ગરમી અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૪૪-૪૫ ડિગ્રીથી ઉપર જતાં નીચલી કોર્ટોમાં કાળો કોટ પહેરીને વકીલાતની પ્રેક્ટીસ કરવું વકીલો માટે આકરૃં બન્યું છે. તો, દૂરદૂરથી કેસોની મુદતે હાજર થતાં પક્ષકારોને પણ ગરમીને લઇ પારાવાર હાલાકી અને ઝાડા-ઉલ્ટી સહિતની આરોગ્ય વિષયક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોઇ મીરઝાપુર સ્થિત અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા એક મહત્વના ઠરાવ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ(મીરઝાપુર કોર્ટ)માં તા.૧૮થી ૨૩ મે દરમ્યાન કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વકીલો અને પક્ષકારોના હિતમાં વચગાળાની રાહત માટે આ નિર્ણય લેવાયો હોવાનું અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનના પ્રમુખ રાજેશ પારેખ અને સેક્રેટરી અપૂર્વ શાહે જણાવ્યું હતું. ઉનાળાની બળબળતી અસહ્ય ગરમી હવે જોખમી બની રહી હોય તેવો ચમકારો આપી રહી છે. ખુદ હવામાન વિભાગ અને સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને ઘરની બહાર જરૂરી ના હોય તો નહી નીકળવાની ગાઇડલાન્સ જારી થઇ રહી છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજયભરની નીચલી કોર્ટોમાં પણ વકીલો અને પક્ષકારોની હાલત ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાજરી આપવી જાણે કપરી બની રહી છે. અમદાવાદ સહિત રાજયની નીચલી કોર્ટોમાં વકીલો અને પક્ષકારોમાં ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવા, બીપીની તકલીફ, હાર્ટની તકલીફ સહિતની સમસ્યાઓની ફરિયાદો સામે આવતાં વિવિધ બાર એસોસીએશનને વકીલઆલમ તરફથી આ અંગે રજૂઆતો પણ મળી રહી છે. દરમ્યાન મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટના અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ રાજેશ પારેખ, સેક્રેટરી અપૂર્વ શાહ અને ઉપપ્રમુખ પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વકીલો અને પક્ષકારોને ઉનાળાની આકરી ગરમીમાં ઝાડા-ઉલ્ટી સહિતની શારીરિક તકલીફો અને બિમારીઓનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસથી વધી જતાં  આ સ્થિતિ વધુ વણસે નહી અને કોઇ ગંભીર જાનહાનિ નોંધાય નહી તે હેતુસર અગમચેતીના ભાગરૂપે અને વકીલો-પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખી એસોસીએશન દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તા.૧૮થી ૨૩ મે સુધી વકીલોને કોર્ટ કામગીરી અળગા રહેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, નીચલી કોર્ટોમાં ક્રિમીનલ કોર્ટોમાં ઉનાળુ વેકેશન હોતું નથી, તેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં વકીલો-પક્ષકારો બળબળતી ગરમીનો શિકાર બનતા હોય છે પરંતુ કોર્ટ કામગીરીથી અળગા રહેવાના ઠરાવ વચ્ચે પણ અરજન્ટ મેટરોની સુનાવણી ચાલુ રાખવામાં આવશે.

એસોસીએશન તરફથી કોર્ટમાં દૂરદૂરથી આવતા પક્ષકારો સહિતના નાગરિકો માટે દર વર્ષે પીવાના ઠંડા પાણી, છાશ અને શરબતની પણ વ્યવસ્થા તબક્કાવાર કરવામાં આવતી હોય છે. જે આ વર્ષે પણ સતત ચાલુ રખાઇ છે.

(9:52 pm IST)