Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ધોરણ-૧૦નું પરિણામ ઉંચુ લઇ જવા ગ્રેસીંગ મળી શકે

વિદ્યાર્થીઓને રાહત મળે તેવી પ્રબળ સંભાવના : ગણિતના અઘરા પેપરે વિદ્યાર્થી અને વાલીઓને રડાવ્યા પરિણામ નબળુ ન પડે તે માટે ગ્રેસીંગ માર્કસની વિચારણા

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહના પરિણામની લાખો વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે. જો કે, ધોરણ-૧૦ના આગામી સપ્તાહે જાહેર થનારા પરિણામ પહેલાં ગણિત વિષયનું પરિણામ નબળું હોવાના સંકેતો સાંપડી રહ્યા છે. ચાલુ વર્ષે ધોરણ-૧૦ના ગણિત વિષયના પેપરે વિદ્યાર્થીઓ અને વાલીઓને રડાવ્યા હતા અને તેથી ગણિતામાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોવાનું મનાઇ રહ્યું છે.  આ સંજોગોમાં ધોરણ-૧૦ નું પરિણામ એકંદરે નબળુ ના પડે અને વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓમાં આઘાતની લાગણી ના પ્રસરે તે હેતુથી બોર્ડ સત્તાવાળાઓ દ્વારા ગણિતના વિષયમાં ૬પ ટકા સુધી પરિણામ પહોંચાડવા માટે સરેરાશ ૧ર માર્ક્સનું ગ્રેસીંગ અપાય તેવી શકયતા સેવાઇ રહી છે. બોર્ડ સત્તાવાળાઓનો આ પ્રકારનો નિર્ણય એક પ્રકારે ધોરણ-૧૦ના વિદ્યાર્થી અને વાલીઓ માટે બહુ મોટી રાહત આપનારો નિર્ણય કહી શકાય. ગત વર્ષે ધોરણ-૧૦નું પરિણામ ૬૮.ર૪ ટકા જાહેર થયું હતું. આ વર્ષે ગણિતમાં સરેરાશ પરિણામ ઓછું હોવાનું મનાઇ રહ્યું છે કારણ કે, આ વર્ષે ગણિતના અઘરા પેપરે વિદ્યાર્થીઓ અને વાલીઓને રીતસરના રડાવી દીધા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી અંદાજે ચાર લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થઇ રહ્યા છે. ર૦૧રમાં ગણિતમાં ૭૧.૮૧ ટકા, ર૦૧૩માં ૭૧.૧૧ ટકા, ર૦૧૪માં ૭૧.૧૧ ટકા, ર૦૧પમાં ૭ર.૬૩ ટકા, ર૦૧૬માં પપ.૦પ ટકા અને ર૦૧૭માં ૬૯.ર૬ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા. આ વર્ષે ગણિતનું પ્રશ્નપત્ર અઘરું હતું અને તેથી તેની સીધી અસર ધોરણ-૧૦ના બોર્ડના પરિણામ પર પડે તે સ્વાભાવિક છે. આ અંગે બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત એમ. એસ. પઠાણે જણાવ્યું હતું કે ગણિતમાં વિદ્યાર્થીઓનો પાયો નબળો પડી રહ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. તેઓ બોર્ડની પરીક્ષા આપવા સુધી પાસ થતા રહે છે, જેથી ધો.૧૦ સુધીની પરીક્ષા સુધીનો તેમનો પાયો નબળો રહે છે. ગત વર્ષે પણ ધોરણ-૧૦માં ૧ર ટકા જેટલા ગ્રેસિંગ માર્ક્સ અપાયા હતા. પરિણામ પૂર્ણરૂપે તૈયાર થયા બાદ સરકાર લેવલે પોલીસી મેટરના ભાગરૂપે ગ્રેસિંગ માર્ક્સ નક્કી થાય છે, જેમ કે કોઇ વિદ્યાર્થી પ વિષયમાં પાસ થતો હોય અને એક વિષયમાં નાપાસ થતો હોય તો તેને ગ્રેસિંગ માર્ક્સ અપાય છે એવી જ રીતે મોટા ભાગે આ વર્ષે ગણિતના પેપરમાં ગ્રેસિંગ માર્ક્સ અપાશે. પરિણામની ટકાવારી પ્રમાણે ગ્રેસિંગ માર્ક્સ નક્કી થાય છે. આ વખતે ગણિત વિષયનું પેપર અઘરૂ નીકળ્યું હોઇ વિદ્યાર્થીઓને ગ્રેસીંગ માર્કસનો લાભ અપાવાની શકયતા છે.

(8:14 pm IST)