Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ગુજરાતમાં વાહનો ખરીદવાની સંખ્‍યામાં ભારે વધારોઃ પરીક્ષામાં સારા માર્કસ, યુવાનોમાં નવા વાહનો ખરીદવાનો ક્રેઝ અને મહિલાઓ ટુ-વ્‍હીલર ચલાવતી થતા ખરીદી વધી

અમદાવાદઃ વર્ષ 2017માં ગુજરાતમાં વાહનોની સંખ્યામાં સખત વધારો નોંધાયો હતો. ગયા વર્ષે 10 લાખથી પણ વધુ નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. 2017માં દર 100 વ્યક્તિએ 2.84 વાહન રજિસ્ટર થયાં. મહારાષ્ટ્રમાં આ આંકડો 2.21, રાજસ્થાનમાં 1.84 અને ઉત્તર પ્રદેશમાં 1.51નો હતો. જો કે વાહનની સંખ્યામાં વધારાના મામલે દર 100 વ્યક્તિએ 3.02 નવા વાહનની સાથે હરિયાણા પહેલા નંબરે રહ્યું.2017માં હરિયાણામાં 7.68 લાખ નવાં વાહનો નોંધાયાં.

છેલ્લા એક દશકાથી વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2017માં આરટીઓ ખાતે દર એક મિનિટે 3 વાહનો રજિસ્ટર થયાં હતાં. 2007માં કુલ 1.01 કરોડ વાહનો રજિસ્ટર થયાં હતાં, 2017 સુધીમાં આ આંકડામાં 2.38 કરોડનો વધારો નોંધાયો છે. ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2017માં સૌથી વધુ 17.31 નવાં વાહનો નોંધાયાં છે.

સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામા આવેલા ડેટામાં ખુલાસો થયો છે કે 2017માં નવાં 17.31 લાખ વાહનો નોંધાયાં આ હિસાબે દરરોજ 4742 નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ 2017માં સૌથી વધુ વાહન ગુજરાતમાં રજિસ્ટર થયાં હતાં. અધિકારીઓએ કહ્યું કે 2010માં 10 લાખથી ઓછાં વાહનો નોંધાયાં હતાં જ્યારે 2011માં 7 લાખ નવાં વાહનો નોંધાયાં હતાં. સત્તાવાર માહિતી મુજબ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દર વર્ષે 16 લાખ વાહનો નોંધાયાં હતાં.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ કહ્યું કે, “વાહન વેચાણમાં વધારો થવા પાછળ ગ્રામીણ ઈકોનોમીએ મહત્વનો રોલ ભજવ્યો છે. એગ્રીકલ્ચરમાં ડેવલપમેન્ટ થતાં સારો ફાયદો થયો તે ખેડૂતોએ વાહન ખરીદ્યાં. પેરેન્ટ્સ દ્વારા પ્રોમિસ કરવામાં આવે છે કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે તો વ્હિકલ ખરીદી આપીશું, જેને પગલે યંગસ્ટર્સમાં પણ વાહનો પ્રત્યે ક્રેઝ વધ્યો છે અને લાઈસન્સ મળતાંની સાથે જ તેઓ વાહન ખરીદી લેતા હોય છે. વાહનોના વેચાણમાં વધારા પાછળનું ત્રીજું કારણ એ પણ છે કે મહિલાઓ ટૂ-વ્હિલર ચલાવતી થઈ ગઈ હોવાથી પણ વાહનોના વેચાણમાં વધારો થયો.”

(6:18 pm IST)