Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સુરત જિલ્લાના મહુવરિયામાં માઇનોર નહેરમાંથી 6 માસનું ભ્રુણ મળી આવતા ચકચાર

સુરત: જિલ્લાના મહુવા તાલુકાનાં મહુવરીયા ગામની સીમમાંથી પસાર થતી હળદવા માઇનોર નહેરમાંથી બુધવારના રોજ રાત્રિના આઠ વાગ્યેના સુમારે 6 માસનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મહુવા પોલીસે આ અંગેની આગળની કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં તેન ગામમાંથી થોડા દિવસ અગાઉ એક સપ્તાહમાં બે ભ્રૂણ મળી આવવાની ઘટનાની સ્યાહી હજી સુકાય નથી ત્યાં તો મહુવા તાલુકામાંથી બુધવારના રોજ ફરી એક 6 માસનુ ભ્રુણ મળી આવ્યુ હતુ. મહુવા તાલુકાના મહુવરિયા ગામની સીમમાં ગુરજીભાઈ લીમજીભાઈ ખેતરના બાજુમાંથી મહુવાથી હળદવા જતી માઇનોર નહેર પસાર થાય છે. આ માઈનોર નહેરના પાણી માંથી ગત બુધવારના રોજ રાત્રિના આઠેક વાગ્યાના સુમારે 6 માસનુ ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું હતુ. કોઈ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે ભ્રૂણને નહેરમાં ફેંકી દીધું હોવાનું જણાય આવ્યુ હતુ. બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં મહુવરીયા ગામના સરપંચના પતિ રસિકભાઈ કાંતુભાઈ પટેલે જાણ કરી હતી. જેથી પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)