Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ દ્વારા પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢી માટે દુકાળ એટલે દંતકથા એવી સ્થિતી નિર્માણ કરવી છે : બોરસદ તાલુકાના ઝારોલા ખાતે વિજયભાઇ રૂપાણીએ શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાનો કાર્યારંભ કરાવ્યો : જળસંચય અભિયાનને જનતા જનાર્દને પોતાનું અભિયાન બનાવ્યું છે : મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકોને સુખડી - છાશ વિતરણ કર્યુ : સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં દાતાઓ તરફથી દાનની સરવાણી વહી: રૂ. ૯.૬૪ લાખના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ

ગાંધીનગર:  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળસંચયના જે પણ સ્ત્રોત છે તે તમામ સ્ત્રોતની જળસંગ્રહ ક્ષમતા વધારવા દેશભરમાં પહેલરૂપ સુજલામ-સુફલામ જળ અભિયાન ગુજરાતે ઉપાડયું છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં  જોડાયેલા મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ધાર પણ વ્યકત કર્યો કે, આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુકાળની ખબર જ ન પડે તેવો સમૃધ્ધ જળ વારસો આપીને દુકાળને ભાવિ પેઢી માટે દંતકથા બનાવી દેવો છે. 

        મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ધરતી અનિયમિત વરસાદને કારણે અતૃપ્ત રહે છે ત્યારે આ સૂકી ધરાને તૃપ્ત કરીને તેને નવપલ્લવિત કરવાના આ ભગીરથ કાર્યમાં જનતા જનાર્દને પોતાનું અભિયાન બનાવ્યું હોવાનો ઉલ્લેખ કરી આ અભિયાન ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું અભિયાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

        પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો સદઉપયોગ કરી પાણીના ટીપે-ટીપાંને ભેગું કરી સાગર બનાવવાનું આહવાન કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોતરાઇ રહ્યા છે તે જ આ અભિયાનની મૂડી છે તેમ કહ્યું હતું.

        સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિના કલ્યાણ માટેના આ મહાઅભિયાન થકી પાણીનો જે સંગ્રહ થશે તે ખેડૂતો, પશુઓ, ઢોર-ઢાંખર, પંખીઓ સહિત સર્વેને માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવી પાણીની અગત્યતા વર્ણવી ગુજરાતને પાણીદાર રાજય બનાવવાનું અભિયાન રાજય સરકારે આદર્યુ હોવાનું કહ્યું હતું.

        પાણીના એક એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન-પર્યાવરણ માટે થાય તેવા જળસંચાયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મૃત:પાય થયેલી નદીઓ કોતરોને પણ પુન:જીવિત કરવાના કાર્યોની વિગતો આપી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન સમગ્ર રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

        હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત માટે સારા સમાચાર લઇને આવ્યું છે અને સારો એવો વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમને હિમાયત કરી હતી.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે આ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ કરી રહેલાઓને આડે હાથે લઇ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન સંસ્કૃતિને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો અને  સમૃધ્ધ જળવારસો આપવાનું અભિયાન છે. શ્રી રૂપાણીએ જળસંચય અભિયાનની સાથોસાથ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો - બેટી પઢાવો, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનને જેમ વ્યાપક જનસમર્થન મળ્યું હતું તેમ આ અભિયાનને પણ હવે સમાજના પ્રત્યેક વર્ગે પોતાનું અભિયાન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ ઝારોલા ગામના દાતાશ્રીઓ અને સરપંચને આ વિશાળ કાર્ય તન-મન-ધનથી ઉપાડી ગામના તળાવને ઊંડુ બનાવવાનો જે ભગીરથ પ્રયાસ કરી પાણીનો વધુ સંગ્રહ કરી ગામના કૂવા રીચાર્જ થવાની સાથે પાણીના તળ ઉંચા આવશે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

        આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ૬૬૬ કામો હાથ ધરવામાં આવ્યા છે અને ૪૦૦થી વધુ કામો પ્રગતિમાં છે અને બાકીના કામો આગામી બે-ત્રણ દિવસોમાં શરૂ થઇ જશે તેનો ઉલ્લેખ કરી પાણીનો વધુને વધુ સંગ્રહ નદીઓને સાચા અર્થમાં લોકમાતા બનાવીએ એવી ભાવના સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.

        ઝારોલા ગામે યોજાયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન માટે વિવિધ દાતાઓ તરફથી રૂા. ૯.૬૪ લાખના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તળાવ ઊંડુ કરવાના કામમાં જોતરાયેલા શ્રમિકોને સુખડી અને છાશનું વિતરણ કર્યુ હતું.

        ઝારોલા ખાતે તળાવ ઊંડુ કરવાનું ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પ્રભારી સચિવ શ્રી સી.વી.સોમ, બી.એ.પી.એસ.ના શ્રી ભગવતચરણ સ્વામી સહિત અન્ય સંતો, સંસદ સભ્ય શ્રી દિલીપભાઇ પટેલ સહિત અગ્રણીઓ પણ શ્રમદાનમાં જોડાયા હતા.

        પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ સ્વાગત પ્રવચન કરી સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં ૯૫ ટકા કામો પ્રગતિમાં છે અને તા.૩૧મી મે સુધીમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જયારે અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતપ્રકાશ યાદવે આભારવિધિ કરી હતી.

        આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ શ્રી સી.વી.સોમ, સંસદસભ્ય શ્રી દિલીપભાઇ પટેલ, રાજયસભાના સંસદસભ્ય શ્રી લાલસિંહ વડોદિયા, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુર રાવલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ, પૂર્વ સંસદસભ્ય શ્રી દિપકભાઇ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ અને જીજ્ઞેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સી.ડી.પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જશવંતસિંહ સોલંકી, પંચાયત સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ શ્રી નરેશભાઇ શાહ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, ઝારોલા ગામના સરપંચ શ્રી ધવલભાઇ પટેલ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(2:58 pm IST)