Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જૈન સમુદાયની ''સામાજિક સુરક્ષા યોજના'': સમાજનું સમાજને અર્પણ

સમાજને એક કરી સદ્દગતના પરિવારને આર્થીક મદદની નેમ સાથે : એકત્ર ૮૦ ટકા રકમ સ્વજનના પરિવારને આપવામાં આવે છેઃ ૨૦ ટકા રકમનો ઉપયોગ કોઈ હોનારત સમયે કરાશેઃ નોમીનીની વિગત પણ ફોર્મ સાથે લેવાય છેઃ હાલ ૧૪૦૦ સભ્યો જોડાયેલ છે : ગયા વર્ષે બોનસરૂપે દરેક સભ્યને ચાંદીનો સિક્કો અપાયેલ

રાજકોટ, તા.૧૮: અમદાવાદના સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા અનોખી ''સામાજિક સુરક્ષા યોજના'' અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં ૧,૪૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ચાર વર્ષમાં સમાજના ૨૮ સભ્યોના અવસાન થયા છે. તેમણે યોજનામાં ૨.૮૯ લાખ જમા કરાવ્યા હતા. જયારે તેમના પરિવારને રૂ.૨૦.૩૩ લાખ ચૂકવવામાં આવ્યા છે. પ્રશ્નએ થાય કે આવું શકય કેવી રીતે બને?

આ અંગે સ્પષ્ટતા કરતાં સમાજના પ્રમુખ પ્રફુલભાઈ રસીકલાલ તલસાણીયા કહે છે કે, સમાજના જ રૂપિયા સમાજના લોકોના કામમાં આવે તેના માટે આ યોજના શરૂ કરાઈ છે. જેમાં ૨૧ વર્ષથી માંડીને ૬૫વર્ષ સુધીનો સમાજનો કોઈ પણ વ્યકિત સભ્ય બની શકે છે. જેણે એક વખત નક્કી કરેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. ૨૧ વર્ષના યુવક માટે રૂ.૫૦૦ જયારે ૬૫ વર્ષના સભ્ય માટે રૂ.૧૪, ૮૦૦ પ્રીમિયમ નક્કી કરાયું છે.

અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થયેલા હેવાલ મુજબ આ પ્રીમિયમમાંથી એક રૂપિયો પણ વાપરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે જ્યારે યોજનામાં ૫૦૦ સભ્યો હતા. પ્રથમ વર્ષે બે સભ્યોના અવસાન થયા હતા. તે બે સભ્યો માટે તમામ સભ્યદીઠ રૂ.૨૦૦ (દરેક મૃતકના રૂ.૧૦૦) ઉઘરાવવામાં આવ્યા એટલે રૂપિયા એક લાખ એકત્રિત થયા.

જે પૈકી ૮૦ ટકા રકમ એટલે કે બન્ને મૃતકોના સ્વજનોને રૂ.૪૦- ૪૦ હજાર આપી દેવામાં આવે છે. ૨૦ ટકા રકમ ટ્રસ્ટ પાસે રાખવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈ હોનારત વખતે ઉપયોગમાં લઈ શકાય.

આ યોજનાના વિચાર અંગે પ્રફુલભાઈએ જણાવેલ કે ડોકટર સમાજના સૌથી જાગૃત નાગરિકો ગણાય છે. તબીબોએ આવી યોજના અમલમાં મૂકી હતી. તેના ઉપરથી પ્રેરણા લઈને અમારા સમાજ માટે પણ આ યોજના શરૂ કરી છે. જેને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે. ગયા વર્ષે તો વ્યાજની આવક થતાં તમામ સભ્યોને ચાંદીનો સિકકો બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. દરેક સમાજ જો આવી યોજના અમલમાં મૂકે તો ચોક્કસ ફાયદો જ થાય.

કોઈપણ સભ્યનું અવાસાન થાયે તે અઠવાડિયામાં જ તેને મળવાપાત્ર રકમ કોને આપવી? તેની વિગતો સભ્ય ફોર્મ સાથે જ ભરી દેવામાં આવતી હોય છે. જેમાં એક પ્રિન્સિપલ નોમીની હોય. જો તે ન હોય તો પ્રથમ વૈકલ્પિક નોમીની અને દ્વિતીય વૈકલ્પિક નોમીનીની વિગતો પણ સબમીટ કરવાની હોય છે. જેથી ચોકકસ વ્યકિતના હાથમાં ચેક સોંપી શકાય.

(11:31 am IST)