Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદમાં દર્દીએ વીડિયો કોલ કરી કહ્યું હું તો જીવીત છું

પરિવાર મૃતદેહ શોધતો હતો : ખાડે ગયેલા સિવિલ હોસ્પિટલના તંત્રની દિવસે દિવસે વધુને વધુ બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે

અમદાવાદ,તા.૧૮ : સિવિલ હોસ્પિટલના ખાડે ગયેલા તંત્રનો ગુનાઇત બેદરકારી ભર્યો વધુ એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જેતલપુરના એક દર્દીના સગાને તંત્રએ ફોન કરીને કહ્યું હતું કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તેથી પરિવારના ૨૦ સભ્ય મૃતદેહ લેવા સિવિલ પહોંચ્યા હતા અને ન મળતા શોધખોળ સરું કરી હતી. ત્યારે અચાનક દર્દીએ સ્વજનોને વીડિયો કોલ કરીને કહ્યું કે હું તો જીવીત છું. દર્દી સાથે વાત કરીને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આવી બેદરકારીના કારણે પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેતલપુર ગામમાં રહેતા રહેતા બાબુભાઈ ભીખાભાઈને કોરોના થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શનિવારે સવારે સિવિલ તંત્ર તરફથી તેમના સંબંધીઓને ફોન કરીને જણવવામાં આવ્યું કે તમારા સગાનું મોત થયું છે. સ્વજનના મૃત્યુ અંગે સમાચાર જાણીને મૃતકની અંતિમ વિધિ માટે પ્રોટોકોલ મુજબ ૨૦ જેટલા સંબંધીઓ સિવિલ પહોંચ્યા હતા અંતિમ દર્શન માટે.

          જોકે જ્યારે તેઓ ડેડ બોડી રુમમાં પહોંચ્યા ત્યારે એક લાશ તેમને સોંપવામાં આવી જેની પીપીઈ કીટ ખોલવામાં આવતા અંતિમ દર્શન કરતા પરિવાર અચંબામાં પડી ગયો હતો અને જણાવ્યું હતું આ તેમના સગાનો મૃતદેહ નથી. જે બાદ પરિવારજનોએ અહીં હોબાળો મચાવ્યો હતો. પરિવારના સભ્યો શબગૃહમાં જ્યારે મૃતકનો શોધતા હતા ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા વોર્ડમાં તપાસ કરવામાં આવતા બાબુભાઈ જીવીત હતા. જેથી સિવિલના નંબર પરથી દર્દીનો વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો. તેમણે પરિવાર સાથે વાત કરીને કહ્યું કે તેઓ જીવીત છે અને તે જાણીને પરિવારના સભ્યો શાંત પડ્યા હતા. જોકે સિવિલની આ બેદરકારીના કારણે પરિવારના દરેકા શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ સ્થિતિમાં આઘાતમાં જો કોઈને કંઈ બીજુ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોની રહેત. સિવિલ હોસ્પિટલમાં લોકો ટપોટમ મરી રહ્યા છે. ત્યારે કોવિડ પ્રોટોકોલ મુજબ મૃતદેહને પેક કરવા સહિતની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગે છે. જ્યારે સ્ટાફ ઓછો હોવાના કારણે આ પ્રક્રિયામાં ખૂબ જ સમય જાય છે. જેથી મૃતદેલ લેવા આવેલા લોકોની લાંબી લાઈનો લાગી છે.

(8:06 pm IST)