Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

હરિદ્વારથી અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચેલા 20 મુસાફરો ટેસ્ટ વગર આવતા ગુનો નોંધાયો : 35 કેસ પોઝિટિવ મળ્યા

સાબરમતી પહોંચેલી ટ્રેનને પ્લેટફોર્મ નં.4 પર લઈ જઈ તમામ પેસેન્જરોને ત્યાં જ ઉતારી ટ્રેન ટર્મિનેટ કરી દેવાઈ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા સરકારે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોના છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટ કરાવેલો હોવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ ટ્રેનમાં આવતા મુસાફરોએ RTPCR ટેસ્ટ કરાવેલ છે કે કેમ તે અંગે સાબરમતી રેલવે પોલીસે શનિવારે સાંજે હરિદ્વારથી અમદાવાદ આવેલી યોગા એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો પાસે RTPCR ટેસ્ટ અંગે તપાસ કરી હતી. જેમાં 20 જેટલા મુસાફરોએ કોવિડ રિપોર્ટ કરાવ્યો ન હતો જેથી પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને જાહેરનામાં ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

જો કે, સાબરમતી રેલવે સ્ટેશન પર કુંભ મેળામાંથી પરત ફરેલા દર્શનાર્થીઓના 230 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી આજે 15 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવનાર તમામ લોકોને હાલ સમરસમાં લઇ જવામાં આવ્યા છે.

હરિદ્વારથી આવેલા મુસાફરોના ફરજિયાત RTPCR ટેસ્ટ કરવા માટે મુખ્યમંત્રીના આદેશને પગલે રેલવે સ્ટેશન પર જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે જે મુસાફરો પાસે છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ રિપોર્ટ તેમની પાસે માંગ્યા હતા. જેમાં 20 જેટલા મુસાફરો પાસે RTPCR ટેસ્ટ રિપોર્ટ ન હતા. જેથી આ તમામ મુસાફરો સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી હતી. હરિદ્વાર કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે.

સાબરમતી રેલવે પોલીસે જણાવ્યું હતું કે, કાલે આવેલી ટ્રેનમાં તપાસ કરતા 20 લોકો પાસે RTPCR રિપોર્ટ ન હતા. અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમાં 35 જે પોઝિટિવ આવ્યા તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા. જેથી તેમની પાસે RTPCR ટેસ્ટ રિપોર્ટ હતા કે નહીં તેની જાણકારી મળી નથી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, હરિદ્વારથી આવેલી ટ્રેન સાંજે સાબરમતી પહોંચી ત્યારે ટ્રેનને પ્લેટફોર્મ નં.4 પર લઈ જઈ તમામ પેસેન્જરોને ત્યાં જ ઉતારી ટ્રેન ટર્મિનેટ કરી દેવાઈ હતી. ત્યારબાદ તમામ પેસેન્જરોને પ્લેટફોર્મ નં.1 પર કોરોનાના રેપિડ ટેસ્ટ માટે મોકલાયા હતા. સાંજના 6 વાગ્યા સુધીમાં 313 પેસેન્જરોના ટેસ્ટ પૂર્ણ કરાયા હતા. જેમાંથી 35 પેસેન્જરો પોઝિટિવ મળી આવ્યા હતા. તેમને સારવાર માટે ખસેડયા હતા.

(5:09 pm IST)