Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદમાં ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ કેસો : ૩ર૦૦ સામે આવ્યા : સરકાર દ્વારા કડક પગલા છતાં કેસો વધતા તંત્ર તથા પ્રજાજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

અમદાવાદ: કોરોના વાઈરસની બીજી લહેર સામે અમદાવાદની સ્વાસ્થ્ય સુવિધાઓ હાંફી રહી છે. શહેરમાં પ્રતિદિન નોંધાતા નવા કેસો જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવતા હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે. ખાસ કરીને અમદાવાદ કોરોનાનું હોટ સ્ટોપ બનીને ઉભરી રહ્યું છે.

સરકારી આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 3241 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 25 શહેરીજનોને કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ દરકલાકે શહેરમાં એકથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમણના કારણે મોતને ભેટી રહ્યો છે.

સાથે અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 93,846 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 2530 નાગરિકોને ભરખી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 647 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ અત્યાર સુધીમાં 73,670 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેની સામે સ્વસ્થ થનારા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. જેના પરિણામે એક્ટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. હાલ શહેરમાં કુલ 15,077 એક્ટિવ કેસો છે.

શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષાના આધારે આજે વધુ 17 વિસ્તારોને કન્ટેનમેન્ટમા મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ઓઢવ વિસ્તારના પુષ્કરહિલના 270 મકાનો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 24 વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા તેને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 442 વિસ્તારો કન્ટેનમેન્ટ હેઠળ છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 97 દર્દીઓ મોતને ભેટ્યા છે. રાજ્યમાં કોરોના કહેરનો અંદાજે એ વાતથી જ આવી જાય છે કે, રાજ્યમાં એપ્રિલ મહિનાના 17 દિવસોમાં જ 748 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એપ્રિલ મહિનામાં પ્રતિદિન મોતનો આંકડો 9 થી સૌથી વધુ 97 સુધી પહોંચી ચૂક્યો છે.

(12:19 pm IST)