Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાત્રી કર્ફ્યુને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોટું નિવેદન : કહ્યું- જો પરિસ્થિતિ વણસશે તો 20 શહેરો ઉપરાંત પણ રાત્રી કર્ફ્યુ લગાવશે

કચ્છ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં નવા 2 હજાર બેડ વધારવામાં આવશે

ભુજ : કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની સ્થિતિ પર રોજ અવલોકન થઈ રહ્યું છે. સ્થિતિ વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રી કર્ફ્યૂ લગાવાશે. આ સાથે કચ્છને 2000 બેડની હોસ્પિટલ ફાળવાશે તેની પણ જાહેરાત કરી હતી.

આજે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ પહેલા જામનગર અને પછી કચ્છની મુલાકાતે હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા સ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં રોજ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે. અને ટેસ્ટિંગ વધતા કેસનું પ્રમાણ પણ વધવાનું છે. પરંતુ જે લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમને અન્ય લોકોથી દૂર આઈસોલેટ કરવાની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ટેસ્ટ વધારવાની સાથે 24 કલાકમાં તેનું પરિણામ આપવામાં આવશે. જેના માટે નવું મશિન ભૂજને આપવામાં આવ્યું છે. સાથે કચ્છમાં 80 જેટલા નવા વેન્ટિલેટર આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં નવા 2 હજાર બેડ વધારવામાં આવશે. આ સાથે હેલ્પ ડેસ્ક બોર્ડ બનાવવામાં આવશે. જેથી દર્દીઓના સગા સંબંધીઓને તેમની જાણ થતી રહેશે. સાથે CMએ કહ્યું કે, મોરબીમાંથી આવતા દર્દીઓને પણ મોરબીમાં જ મળી રહે, તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.   

(10:07 pm IST)