Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે : પરેશ ધાનાણી

ધાનાણીના મોદી પર આકરા પ્રહારો

અમદાવાદ,તા.૧૮ : અમરેલીમાં આજે પીએમ મોદીએ ચૂંટણી સભા યોજી હતી. વડાપ્રધાનની આ સભા બાદ અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે, ગપગોળા ફેંકવાનું મશીન આજે ગુજરાતમા આવ્યું છે. અમરેલીમાં આગ લગાડવાનો નિરર્થક પ્રયાસ કરતા પ્રધાનમંત્રીએ આઠ હજાર જેટલી જનમેદનીની જંગી જાહેર સભા સંબોધી હતી. અમરેલીના લોકોમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ઘટતો જાય છે. દિવથી લઈ દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે. ભાજપનું ખાતુ ક્યાંય નહીં ખુલ્લે તેવી સ્થિતી હવે ઉભી થઈ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજ સુધી હજુ ગામડાઓમાં ક્યાંય સસ્તુ શિક્ષણ મળતું નથી. શાળાઓમાં શિક્ષક નથી, દવાખાનામાં ડોક્ટર નથી. ખેતરનો સેઢે નર્મદાનાં નીર નથી. ઘરમાં પીવાના પાણી નથી. અમરેલીની જતના કહે છે ઠાલા ભાષણો સાંભળી હવે ભવ બગડી ગયો. મુર્ખ હશે તે જ મોદીને મત આપશે. જે મોદી સાહેબ જાણે છે. મોદી અને ભાજપે નિર્દોષ પ્રજાજનોને છેતર્યા છે અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યાે છે. ધાનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં હારને ભાળી જતાં વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે કે આવતી લોકસભાની ચૂંટણી બાદ મોદી નવરા થવા જઈ રહ્યાં છે. જેથી ગુજરાતમાં પોતાની સુરક્ષિત જગ્યા શોધવા માટે વારંવાર ગુજરાતના આંટાફેરા વધી રહ્યાં છે. સ્મૃતી ઈરાની અને યોગીની સભાઓ ગોઠવાઈ છે. હાર ભાળી ચૂકેલી સરકાર આખા દેશને રેઢો મુકીને અમરેલીમાં પડ્યાં છે. પરંતુ મોદી કે ભાજપ ગમે તે કરે પરંતુ આ વખતે જનતા બંનેને તેના મિજાજનો પરચો આપીને રહેશે અને કોંગ્રેસની સરકાર બનાવીને રહેશે.

(9:41 pm IST)