Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વટવા પોલીસના કોન્સ્ટેબલનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

રાજયભરના પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી : પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઇને અનેક સવાલો

અમદાવાદ,તા. ૧૮ : શહેરના વટવા પોલીસમથકમાં ફરજ બજાવતાં એક પોલીસ કોન્સ્ટેબલે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, બીજીબાજુ, આ બનાવને પગલે શહેર સહિત રાજયભરના પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં વટવા પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વટવા પોલીસ મથકના કર્મચારીઓ અને અધિકારીઓમાં તો તેમના પોલીસ સ્ટેશનના આત્મહત્યાના બનાવને લઇ જાણે શોકનો માતમ પથરાયો છે.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા નજીક આવેલાં રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લખધીરસિંહ ગોહિલે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કોન્સ્ટેબલની લાશ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી અને લખધીરસિંહની આ પ્રકારે આત્મહત્યા અને તેની લાશ જોઇને ચોંકી ઉઠી હતી. જો કે, વટવા પોલીસ કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સ્પષ્ટ થઇ નથી. હાલમાં વટવા પોલીસ અકસ્માતે મોત નોંધી ઘટના અંગે ઝીણવટભરીતપાસ કરી રહી છે. ખાસ કરીને કોન્સ્ટેબલે કયા કારણસર અને કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે સહિતના સવાલોના જવાબ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(8:27 pm IST)