Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમદાવાદમાં સ્થિત અનોખા અંજની માતાજી મંદિરની ચર્ચા

હનુમાનજી બાળ સ્વરૂપમાં માતાના ખોળામાં બેઠા છે : હનુમાન જયંતિના પાવન પ્રસંગે અંજની માતાજી મંદિર ખાતે પરંપરાગત ભવ્ય ઉજવણી, કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ,તા. ૧૮ : અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજની માતાજીનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં માં અંજનીના ખોળામાં બાળ હનુમાનજી જોવા મળે છે. અંજની માતાની મૂર્તિ ખૂબ જ ભવ્ય છે. અંજની માતાના મંદિર દ્વારા ગરીબોને દરરોજ સાંજે રામરોટી તથા વસ્ત્રદાન અને ગરીબોને મફત દવા પણ આપવામાં આવે છે. આવતીકાલે હનુમાન જયંતિ હોઇ અંજની માતાજીના આ મંદિરમાં પણ દાદાના ભવ્ય જન્મોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અંજની માતાજી મંદિરના મહંત વિજયદાસજી બાપુએ જણાવ્યું કે, મા અંજની પૂર્વ જન્મમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં પુંજિકસ્થલા નામના અપ્સરા હતાં. દેવરાજ ઇન્દ્રને મળવા આવેલ ઋષિનો અજાણતાં તેમનાથી અપરાધ થઇ ગયો. ઋષિએ તેમને શ્રાપ આપ્યો કે, જા તું પૃથ્વી ઉપર વાનરી સ્વરૂપ પામ. જેના ધ્યાનમાં તું મગ્ન થઇ મારો આદર સત્કાર કરવાનું ભૂલી ગઇ છે તેનાથી તારો કયારેય મેળાપ થશે નહીં. અપ્સરાએ ઘણી આજીજી કરતાં ઋષિએ તેને આશીર્વાદ આપ્યા કે, જ્યારે તું જે સ્વરૂપ ઇચ્છીશ તે સ્વરૂપ તને પ્રાપ્ત થશે. જેના ધ્યાનમાં તું લીન થઇ મને સત્કારવાનું ભૂલી ગઇ છે તેના પુત્રની તું માતા બનીશ. આ અંજની માતાનું મંદિર અનોખુ અને ચમત્કારિક મહાત્મ્ય ધરાવે છે, લાખો શ્રધ્ધાળુ ભકતોને તેના પરચા મળેલા છે. તેમણે હનુમાનજયંતિની ઉજવણીને લઇ જણાવ્યું કે, આ વર્ષે હનુમાન જયંતી આવતીકાલે તા.૧૯ તારીખે શુક્રવારે છે. હનુમાનજી મહારાજ ભગવાન શંકરના ૧૧મા રુદ્ર અવતાર છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીનું પ્રાગટ્ય મંગળવારે થયું હતું. આ વર્ષે પણ હનુમાન જયંતીના પાવન પ્રસંગે મંદિર ખાતે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. આવતીકાલે તા. ૧૯, શુક્રવારે, હનુમાન જયંતીના દિવસના રોજ સવારે ૮.૦૦ વાગ્યે મારુતિ યજ્ઞ, બપોરે ૧૨.૩૯ વાગ્યે શ્રીફળ હોમાશે. સાંજે ૬.૩૦ કલાકે સંધ્યા આરતી, ૭.૦૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રે ૮.૩૦ વાગ્યે સંતવાણી (કીર્તિદાન ગઢવીના લોક ડાયરા)નું આયોજન કરવામાં આવ્યું છે. અંજની માતા અને દાદાના દર્શનાર્થે આવનારા તમામ ભકતો માટે પ્રસાદ સહિતની ખાસ વ્યવસ્થા છે.

(8:25 pm IST)