Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ખર્ચનો હિસાબ ન રજૂ કરનાર ૮૯ ઉમેદવારને પંચની નોટિસ

રાજય ચૂંટણી પંચની આકરી કાર્યવાહી : ચૂંટણી પંચે નોટિસ ફટકાર્યા બાદ ઉમેદવારોએ હવે જરૂરી ખુલાસો અને ખર્ચનો હિસાબ આપવો પડે તેવી પરિસ્થિતિ

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ૨૬ લોકસભા પર ઉમેદવારી કરી રહેલા કુલ ૩૭૧ ઉમેદવારોમાંથી ૮૯ ઉમેદવારો કે જેઓ તેમનો ચૂંટણી અંગેના ખર્ચનો હિસાબ રજૂ નહી કરી શકતાં નોટિસ ફટકારી છે. ગુજરાત રાજય ચૂંટણી પંચની આ આકરી કાર્યવાહીને પગલે રાજયભરમાં બહુ જોરદાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચની નોટિસને પગલે હવે આ ૮૯ ઉમેદવારોએ જરૂરી ખુલાસા સાથેનો જવાબ અને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવો પડશે. ચૂંટણી આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાની હોય છે. ગુજરાત રાજયની ૨૬ લોકસભા બેઠક પર ઉમેદવારી કરી રહેલા ૩૭૧ ઉમેદવારો પૈકી ૮૯ ઉમેદવારોએ પોતાનો ચૂંટણી ખર્ચ અંગેનો હિસાબ રજૂ કર્યો ન હતો, જેને લઇ રાજય ચૂંટણી પંચે ગંભીરતાથી નોંધ લીધી હતી અને આ સમગ્ર મામલે આકરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય ચૂંટણી પંચે ૨૬ બેઠકો પરના ૮૯ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ ના કરતાં નોટિસ આપી છે. જેમાંથી જામનગર બેઠકના સૌથી વધુ ૧૬ ઉમેદવાર છે. આ સાથે કચ્છ,અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારડોલી, સુરત, અને વલસાડ બેઠક સહિતના ઉમેદવારોને નોટિસ આપી છે, જેને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને ચૂંટણી પંચની નોટિસ મેળવનારા ઉમેદવારો આ મામલે કાયદાકીય નિષ્ણાતો અને રાજકીય દિગ્ગજોની સલાહ અને મદદ મેળવવા દોડતા થયા છે.

(8:23 pm IST)