Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગ્રામ્ય જીવન વિશે રિસર્ચબેઝ પુસ્તક-ડોકયુમેન્ટ્રી તૈયાર થઇ

યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગની સિદ્ધિ : યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડો.હિમાંશુ પંડયા સહિતના મહાનુભાવોના હસ્તા પુસ્તક અને સીડીનું વિમોચન કરાયું

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને યુનિસેફ, ગુજરાતની ભાગીદારી હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓન એડોલસેન્ટ પાર્ટિસીપેશનના વિષય પર કોફી ટેબલ બુક અને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હિમાંશુ પંડયા સહિતના મહાનુભાવોના હસ્તે તેના પુસ્તક અને સીડીનું વિમોચન આજે એએમએ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓએ યુનિસેફની મદદથી આ અનોખી સિધ્ધિ હાંસલ કરતાં શિક્ષણજગતમાં પણ તેની હકારાત્મક નોંધ લેવાઇ રહી છે. આ કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓએ દેડીયાપાડા અને રાજપીપળાની આસપાસમાં આવેલા ગામોની રૂબરૂ મુલાકાત લઈ અને કિશોરાવસ્થામાં માનસિક અને શારીરિક ફેરફારના કારણે થતી મુશ્કેલી અને તેનો સામનો કેવી રીતે કરે છે તે બાબતે સંશોધન કર્યું હતું. જેના આધારે તેમણે ફિલ્મ અને બુક તૈયાર કરી હતી. આ ઉપરાંત ડેવલપમેન્ટ કમ્યુનિકેશન વિધાર્થીઓએ કિશોરાવસ્થાના મુદ્દાઓ અંગે જનશિક્ષણ કરવા શેરી નાટકો ભજવ્યા તેના અનુભવો વિશે તેઓએ વાત કરી હતી. આ ફિલ્મ અને બુકનો ઉપયોગ કિશોરાવસ્થા અંગે જાગૃતિ અને શિક્ષણ ફેલાવવા માટે કરવામાં આવશે. આ બુક લોન્ચિંગ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ડો. રવિન્દ્ર બગલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડવા માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યાએ વિદ્યાર્થીઓને ઈનોવેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવતી મદદ વિશે જણાવ્યું હતું. તો બીજી તરફ યુનિસેફ, ગુજરાતના ડો. રવિન્દ્ર બગલ દ્વારા ખાસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને એડોલસેન્ટ હેલ્થ અંગે માહિતી પૂરી પાડી હતી. સાથે જ તેમણે ચાઈલ્ડ રાઈટ્સ તેમજ ચાઈલ્ડ રેશિયો અંગે ગુજરાતમાં ફેલાવાતી જાગૃતિ અંગે યુનિસેફ તરફથી આપવામાં આવતા સપોર્ટને લોકો સામે રજૂ કર્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં ડિપાર્ટમેન્ટના હેડ ડો.સોનલ પંડ્યાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ આવનારા દિવસોમાં યુનિસેફ તરફથી ડિપાર્ટમેન્ટને પૂરતો સપોર્ટ મળતો રહે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

(8:23 pm IST)