Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં મુસાફરનો મોબાઇલ બ્લાસ્ટ થતા ૨ મહિલાઓને ફ્રેકચરઃ અજીબોગરીબ ઘટના

વ્યારા :મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે, અને વાયુવેગે ફેલાઈ જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની અજીબોગરીબ ઘટના બની હતી. ઉચ્છરલના કરોડથી વ્યારા તરફ જતી એસટી બસમાં એક મુસાફરનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, અને તેને કારણે 2 મહિલાઓનું ફ્રેક્ચર થયું હતું. વાંચીને નવાઈ લાગી ને!! પણ, આખો કિસ્સો વાંચશો તો જ માલૂમ પડશે.

બન્યું એમ હતું કે, સોનગઢ ડેપોથી વ્યારા જવા માટે એસટી બસ સવારે 8 કલાકે ઉપડી હતી. ત્યારે માણેકપુર પાસે એક બસમાં બેસેલ એક મુસાફર જયપાલ વળવીના ખિસ્સાંમા મૂકેલા મોબાઈલમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. બેટરી બ્લાસ્ટ થઈ ગઈ અને અચાનક મોબાઈલમાં આગ લાગી. તેથી આખી બસમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક ગભરાયા, તો કેટલાક ડરના માર્યે કૂદાકૂદ કરવા લાગ્યા. પરંતુ બસ કંડક્ટર કંઈક કરે તે પહેલા જ બે મહિલા મુસાફરો દરવાજો ખોલીને ચાલુ બસમાંથી નીચે કૂદી ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી.

બીજુ તરફ, મોબાઈલ બ્લાસ્ટ થતા જયપાલ વળવી ગંભી રીતે દાઝી ગયા હતા. જ્યારે કે, બસમાંથી પડતુ મૂકનાર બંને મહિલાઓ સેવાબેન ગામીત અને રસિદા વળવીને ફ્રેક્ચર થયા હતા. આ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને મહિલાઓ વધુ ઈજાગ્રસ્ત થવાથી તેઓને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમ, પરિસ્થિતિને જાણ્યા અને સમજ્યા વગર જ બસમાથી કૂદી પડનાર બંને મહિલાઓ ખુદ ઈજાગ્રસ્ત થતા મુસાફરોમાં ચર્ચાનો દોર, તો ક્યાંક મજાક ઉડી હતી.

(5:22 pm IST)