Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કમોસમી વરસાદનો લાભ કેસર પ્રેમીઓને

તાલાળામાં પડેલા કમોસમી વરસાદને લીધે કેસરના ઉત્પાદકોને કેરી ઉતારી લેવાની ફરજ પડી છે

અમદાવાદ તા.૧૮: મંગળવારે પડેલા કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને દેખીતું નુકસાન થયું તો સાથોસાથ ગોંડલ પંથકમાં ઢોલરિયા મરચાંને અને જૂનાગઢ તથા તાલાળાની કેસર કેરીને પણ પુષ્કળ નુકસાન થયું છે. કેસર કેરીના પાકને થયેલા નુકસાનનો સીધો લાભ કેસરપ્રેમીઓને થશે. કમોસમી વરસાદના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે તૈયાર થઇ રહેલી કેરી હવે લાંબો સમય ઝાડ પર રાખી શકાશે નહીં. જો રાખે તો એમાં જીવાત થઇ જાય. આવું ન બને એની માટે ખેડૂતોએ પાક ઉતારવાનો શરૂ કરી દીધો છે અને ઊતરેલા પાક પણ બજારમાં ફટાફટ આવશે. સામાન્ય રીતે એપ્રિલ ઊતરતાં કેસરનો ભાવ ઘટતો હોય છે, પણ આ વખતે એવું બનશે કે એપ્રિલમાં જ કેસરનો ભાવ ગગડી જશે.

અત્યારે કેસરનો ભાવ ૧૬૦ થી ૨૦૦  રૂપિયા (પ્રતિ કિલો) છે જે આવતા અઠવાડિયાની શરૂઆતમાં સો રૂપિયાની આસપાસ થઇ જાય એવી ગણતરી રાખવામાં આવે છે. બીજું કે માર્કેટમાં મોટી માત્રામાં કેસર આવશે પણ બજારની ક્ષમતા નહીં હોવાને લીધે કેસરનો મોટો જથ્થો મુંબઇ અને મહારાષ્ટ્ર ડાયવર્ટ કરવામાં આવશે જેને લીધે કેસર આ વખતે મુંબઇગરાઓને વહેલી ખાવા મળશે.(૧.૪)

(2:18 pm IST)