Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આચારસંહિતાથી ગુજરાતના આંગડિયા પેઢીઓને તાળાઃ દૈનિક ૧૦૦ કરોડનો વેપાર ઠપ્પ

આંગડિયા પેઢીમાં દરરોજ ૫૦૦ કરોડથી વધુના હવાલા ફોનથી પડતા હોય છે

અમદાવાદ તા.૧૮: લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના પગલે ગુજરાતના આંગડિયા પેઢીઓના શટર પડી ગયા છે. આંગડિયા પેઢીઓએ આચારસંહિતા પૂરી ના થાય ત્યાં સુધી હાલ પૂરતો કારોબાર સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. આંગડિયા પેઢીના આ નિર્ણયનાકારણે રોકડિયો વેપાર ઠપ્પ થતાં રોજનો ગુજરાતને રૂ. ૧૦૦ કરોડનો વેપાર અટકી જવા પામ્યો છે. ખાસ કરીને મુંબઇ-ગુજરાતના સોૈથી વધુ હવાલા પડતાં હતા, મુંબઇમાં આંગડિયા પેઢી બંધ થતાં સોૈથી મોટી અસર ગુજરાતને થઇ રહી છે.

બીજી તરફ મુંબઇ, દિલ્હી, કલકત્તામાં એક લાખ રૂપિયાના હવાલાના રૂ. ૩૦૦ ચાલતા હતા તે વધીને રૂ. ૧૫૦૦ સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ઉપરાંત હાલ ચાલી રહેલ આઇપીએલ મેચોમાં સટ્ટાના હારજીતના નાણાં ચાર આંગડિયા પેઢીમાં ખાનગીમાં હવાલાથી હિસાબ થઇ રહ્યા છે. જયારે શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગમાં થયેલા સોદાનો હિસાબ સપ્તાહના શનિવારે થતો હોય છે અને સોમવારે આંગડિયામાં હવાલાથી હિસાબ ચૂકતે કરવાનો હોય છે. જે હાલમાં ખાનગીમાં કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત આંગડિયા પેઢીમાં દરરોજ રૂ. ૫૦૦ કરોડથી વધુના હવાલા ટેલીફોન ઉપર પાડવામાં આવતા હોય છે. જેમાં મોટાભાગના હવાલા મુંબઇ તથા દિલ્હીમાં પાડવામાં આવતા હોય છે. મુંબઇ રોકડનું હબ હોવાથી હવાલાની ખૂટતી રકમ ગુજરાતના આંગડિયા પેઢી મોબાઇલ ઉપર મગાવતા હતા. આ નાણાં બીજા દિવસે મુંબઇમાં પરત હવાલાથી આપવામાં આવતા હતા. ગુજરાતમાં જેટલી પેઢીમાં હવાલાનું કામકાજ ચાલી રહ્યું છે. જયારે ૨૫ ટકા આંગડિયા પેઢીમાં પાર્સલ સહિત પહોંચાડવાનંુ કામકાજ ચાલતું હોય છે. અમદાવાદ, સુરત, ભાવનગરમાં હિરાના વેપારીઓ દ્વારા રોકડમાં મોટા વ્યવહાર કરતા હોય છે.

ઓફિસની જગ્યાએ બહાર રોકડા રાખવામાં આવી રહ્યા છે

 આચારસંહિતાનો અમલ થતાં પોલીસ આંગડિયા આફિસની બહાર વોચ ગોઠવીને કર્મીઓને પકડવાનું ચાલુ કર્યું છે. જેના લીધે ગુજરાત અને મુંબઇ આંગડિયા પેઢીએ ઓફિસમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દીધું હતું.

હવાલાના ત્રણ ગણા ભાવ થયા

રૂ. ૧ લાખના હવાલાના રૂ. ૧૫૦૦ વસૂલી રહ્યા છે. ચૂંટણી પહેલા આંગડિયા પેઢી દ્વારા એક લાખ રૂપિયાના ત્રણસો રૂપિયા લેતા હતા. એમાંય નાણાં ઓફિસ લેવા જવાનું કહેવાતું હતું.

(12:26 pm IST)