Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બેમિસાલ બુટલેગરઃ 'વિદેશી' સ્કોચની જ ફલેવર અને ટેસ્ટ, પણ હોય 'દેશી'

'ટી ટેસ્ટર'ની જેમ મિલાવટ કરતો હોવાનો ભાંડો ફુટયો

અમદાવાદ તા. ૧૮ :.. લોકસભાની ચૂંટણીની મોસમમાં રોકડની હેરફેર સાથે જ દારૂના પ્રવાહ પર પણ પોલીસની ધોંસ વધી જાય છે. છતાં શહેરના એક બુટલેગરે પોલીસથી ય એક કદમ આગળ રહેવા તેમજ વિદેશી બ્રાન્ડ અને ખાસ કરીને સિંગલ મોલ્ટ, ડબલ મોલ્ટ સ્કોચ સહિતની ઊંચી જાત અને બ્રાન્ડનો મદિરા માણવાના શહેરના શોખીનો પણ થાપ ખાઇ જાય તે રીતે આ બુટલેગરે 'દેશી માલ' પધરાવવાનો આબાદ કિમીયો શોધી કાઢયાનો ઘટસ્ફોટ થયો છે.

ઓઢવના દારૂના એક અડ્ડા પર પોલીસે પાડેલા દરોડામાં આ બુટલેગરનો બેમિસાલ કિમીયો ઝડપાયો. તેની પાસેથી અતિશય મોંઘી અને દારૂના હાર્ડકોર શોખીન જ જે બ્રાન્ડ વાપરતા અને પસંદ કરતા હોય તેની અસંખ્ય ખાલી બોટલ્સ પકડાતાં પોલીસને પણ આશ્ચર્ય થયેલું. તેની પુછપરછમાં ઘટસ્ફોટક થયો કે, જે તે આ જ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલ્સ બહારથી મેળવી તેમાં દેશી ભરી દેતો. પરંતુ શોખીનોને એ વાતની ખબર હોય છે કે, આ પ્રકારની બ્રાન્ડની મદિરાની બોટલ જ એ પ્રકારે સીલ થયેલી હોય કે તેમાં ઇન્જેકશન કે અન્ય કોઇ રીતે મિકસીંગ જ ન થઇ શકે. પરંતુ જે પ્રકારે ચાની મોટી બ્રાન્ડ વિવિધ પ્રકારની ચા પસંદ કરવા ચા ની પત્તી કે ગ્રેન્યુઅલ્સમાંથી બનેલી ચાની ફલેવર અને ફ્રેગરન્સ કવોલીટી ચકાસવા અત્યંત મેઘાવી 'ટી ટેસ્ટર'ની સેવા લે છે, તે જ રીતે આ બુટલેગર સિંગલ કે ડબલ મોલ્ટ સ્કોચ, વોડકા સહિતની વિવિધ બ્રાન્ડની ફલેવર અને ફ્રેગરન્સ મુજબ જ આર્ટિફીશિયલી તે દેશીમાં ઉમેરી સિફતપૂર્વક તેને ઓરિજિનલ ખપાવી વેચતો હતો. આમ એક રીતે આ બુટલેગરે 'ઉજળું એટલું દૂધ નહીં, અને પીળું એટલું સોનુ નહીં' એ કહેવત યથાર્થ ઠેરવી હતી.

(12:26 pm IST)