Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ની ફળશ્રૃતિ

ગુજરાતમાં જંગી મૂડીરોકાણ કરવા તાઈવાન તૈયાર

૭ કંપનીને રોકાણ કરવું છેઃ આ મહિને ૪ કંપનીઓના પ્રતિનિધિઓ આવશે ગુજરાત

નવી દિલ્હી, તા. ૧૮ :. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯માં ગુજરાતના કેમિકલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત પછી તાઈવાનની કંપનીઓ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્યમાં નજર રાખી રહી છે. રાજ્ય સરકારના વિકાસ અંગેના કાર્યો જોતા સૂત્રો અનુસાર તાઈવાનની લગભગ સાત કંપનીઓ ઓટો પાર્ટના યુનિટો સ્થાપવા માટે રોકાણ કરવા વિચારી રહી છે.

આ કંપનીઓમાં સેપી ગ્રુપ, રોલર કીંગ એન્ટરપ્રાઈઝ અને કાઓ મીંગ મશીનરી પણ સામેલ છે. રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું હતું કે આ સાતે કંપનીઓના પ્રતિનિધિઓ એપ્રિલના અંતમાં ગુજરાતની મુલાકાત લેશે તેવી આશા છે. વિશ્વસ્ત સૂત્રોએ કહ્યું, 'આમાંથી મોટાભાગની કંપનીઓ મશીન ટુલ્સ મેન્યુફેકચર છે. તેમની વીઝીટ દરમ્યાન આ કંપનીના પ્રતિનિધિઓ ઓટો પાર્ટના ઉત્પાદકો અને ઓટોમોબાઈલ ઈલેકટ્રોનિકસ બનાવનારાઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ સાણંદ, વિઠલાપુર અને હાંસલપુર ખાતેના ઓટોમોબાઈલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની મુલાકાત પણ લેશે.

ગુજરાત સરકારના અધિકારીઓનું માનવું છે કે તાઈવાન બેઝડ કંપનીઓના ગુજરાત પ્રવેશથી ગુજરાતના મેન્યુફેકચરી સેકટરમાં ટેકનોલોજીમાં સુધારો આવશે જેના કારણે અહીંના ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળશે.

હાલમાં ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રની કેટલીક કંપનીઓના યુનિટો છે. જેમાં સાણંદ ખાતે ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડીયા, વિઠલાપુરમાં હોન્ડા મોટર સાયકલ અને સ્કૂટર ઈન્ડીયા અને હાલોલ ખાતે હીરો મોટો કોર્પ સામેલ છે.(૨-૫)

(12:24 pm IST)