Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

એસટી બોર્ડ પોતે સ્લીપર કોચ બસ બનાવશે : દેશનું પ્રથમ નિગમ બન્યું : ભવ્ય લોકાર્પણ યોજાયું

મુખ્યમંત્રી-નાયબ મુખ્ય મંત્રીની ખાસ ઉપસ્થિતિઃ વર્ષે ર૦ કરોડની બચત થશે

એસટી બોર્ડે સ્લીપર કોચ બનાવવાનો નિર્ણય લીધો છ, તે અંગે લોકાર્પણ-ઓપન હાઉસ યોજાયું ત્યારની તસ્વીર.

 

ગાંધીનગર, તા. ૧૮: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક ૩૦ લાખ કિ.મી.નું સંચાલન કરી ર૪ લાખ દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને પરિવહન સેવા કુલ ૭૧૧૭ બસોના કાફલાથી પૂરી પાડવામાં આવે છે જે અન્વયે નિગમની બસોના કાફલામાં દર વર્ષે ૧ર૦૦થી ૧પ૦૦ બસો તેમની આયુમર્યાદા પૂર્ણ કરતા નવીન બસો સંચાલનમાં મૂકવાની જરૂરીયાત ઉપસ્થિત થાય છે.

મુસાફર જનતા દ્વારા લાંબા અંતરની આરામદાયક મુસાફરી માટે સ્લીપર કોચ બસની માંગણી કરવામાં આવતી હોય છે. મુસાફર જનતાની લાગણી ધ્યાનમાં રાખી, લાંબા અંતરના રૂટમાં વધુમાં વધુ સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકાય તેવી જરૂરીયાત અન્વયે નિગમ દ્વારા સ્લીપર કોચ બસ સૌ પ્રથમવાર ઇનહાઉસ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

ચાલુ વર્ષે નિગમને વર્ષ ર૦૧૬-૧૭/ર૦૧૭-૧૮ની ગ્રાન્ટ પૈકી કુલ ર૩રપ બસો પૈકી તૈયાર પ૦૦ મીની બસ ખરીદવા તેમજ ૧પ૦૦ સુપર એકસપ્રેસ અને ૩રપ સેમીલકઝરી બસ માટે ચેસીસની ખરીદી કરી તેના પર બસબોડી બનાવવા સરકારશ્રી તરફથી મંજુરી મળવા પામેલ છે.

સદર મંજુરી અન્વયે કામગીરીના આયોજન પૂર્વે નિગમના વર્કશોપ ખાતે સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી ગ્રાન્ટનો કરકસર ઉપયોગ થાય તેમજ નિગમને અદ્યતન તેમજ વધુ સલામતી વાળી બસબોડી તૈયાર કરવા માટે કામદારો સાથે 'ઓપન હાઉસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વર્કશોપના કર્મચારીઓ દ્વારા બસબોડી વર્કશોપના ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર, મશીનરી તેમજ કર્મચારીઓની સ્કીલનો મહત્તમ ઉપયોગ કરી નિગમની જરૂરીયાત મુજબની તમામ બસો માટે ઇનહાઉસ બસબોડી બનાવવા તેમજ ઓર્ડીનરી બસબોડી બિલ્ડીંગની કામગીરી પૂરતુ સીમિત ન રાખવા સ્લીપર કોચ તથા સેમીલકઝરી જેવી અદ્યતન બસો પણ નિગમના વર્કશોપ ખાતે પણ બનાવવા નિગમના મેનેજમેન્ટને અપીલ કરવામાં આવેલ હતી જે અનવયે કર્મચારીઓ તેમજ કામદાર સંગઠનોની રજૂઆત તેઓની કામગીરી કરવા માટેની ઉત્સુકતા, કામગીરી માટેનું હુન્નર/અનુભવ ધ્યાને લેતા નિગમ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ તમામ બસબોડી ઇનહાઉસ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.

ભવિષ્યમાં ચેસીસ મેન્યુફેકચરર સાથે સહયોગ કેળવી ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદન સુધીની કામગીરી કરવા નિગમના કામદારો ઉત્સુક છે તેમજ સરકારના અન્યડીપાર્ટમેન્ટ માટે બોડી બિલ્ડીંગની કામગીરી કરી વર્કશોપનેએક પ્રોફીટ સેન્ટર તરીકે બનાવવા કર્મચારીઓ તેમજ માન્ય સંગઠનો કટિબદ્ધ છે. ઇનહાઉસ બસબોડી બનાવવાના નિર્ણયથી વાર્ષિક રૂ. ર૦ કરોડ જેટલી બચત થવા પામશે.

ગુજરાત એસ.ટી.એ ભારતના ૬ર એસ.ટી.યુ.માં સૌથી વધુ બસબોડી બનાવતુ તેમજ ઇનહાઉસ સ્લીપર કોચ બસબોડી બનાવતુ પ્રથમ નિગમ બનવા પામશે. નિગમ ખાતે ઇનહાઉસ તૈયાર થયેલ સ્લીપર કોચ બસોને આજે બપોરે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લી મૂકાઇ હતી. જેમાં વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુ, રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. (૮.૧૭)

(4:03 pm IST)