Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રાજયસભામાં જામશે એકડા-બગડાનો જંગ

કોંગ્રેસ પ્રયત્ન કરશે કે શકિતસિંહને સૌથી વધુ એકડા આવી પ્રથમ નંબરે જીતાડે જેથી તેમના બગડા ભરતસિંહ સોલંકીને જીતાડી શકે : ભાજપમાં અભયભાઇ ભારદ્વાજને સૌથી વધુ એકડા ફાળવી પાંચેય ઉમેદવારોમાં પ્રથમ નંબરે જીતાડશે જેથી તેમના બગડા નરહરી અમીનનને જીતાડી દયે

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીનો જંગ બરાબરનો  જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના સોગઠાઓ ગોઠવવામાં લાગ્યા છે. છેલ્લે મળતા અહેવાલો મુજબ કોંગ્રેસ તેના બન્ને ઉમેદવારોને ચૂંટણી લડાવશે અને તોડફોડના પ્રયત્નો કરે અને એકડા બગડાની વ્યુહરચનાથી જીતવા માટેના પ્રયત્નો કરશે બીજી તરફ ભાજપના પણ ચાણકયો રાજકીય સોગઠા માટે સતર્ક બન્યા છે અને એકડા બગડાની રમતનો ઉપયોગ કરીને રાજયસભામાં ત્રણેય બેઠકો મેળવવા પ્રયત્નો કરશે.

કોંગી સુત્રોમાંથી મળતા અહેવાલો મુજબ કોંગ્રેસે નવી વ્યુહરચના ગોઠવી છે અને એવુ નકકી કર્યાનું મનાય છે કે શકિતસિંહ ગોહીલને મહત્તમ એકડા ફાળવીને પાંચેય ઉમેદવારોમાં પ્રથમ નંબરે વિજેતા બનાવી દયે જેથી પ્રથમ નંબરના બગડા તેમના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતાડવા માટે સિંહફાળો ભજવે.

બીજી તરફ ભાજપની છાવણીમાંથી મળતી સંભાવનાઓ અને વિચારણા મુજબ ભાજપ અભય ભારદ્વાજને વધુ એકડા ફાળવી પાંચેય ઉમેદવારોમાં પ્રથમ નંબરના વિજેતા બનાવશે જેથી તેમના બગડા નરહરી અમિનની જીતમાં મુખ્ય ભાગ ભજવે.

ગુજરાત રાજયસભા ચૂંટણી હવે એવા તબકકામાં પહોંચી ગઇ છે કે હવે સમગ્ર રમતમાં એકડા બગડા ઉપર વધુ મદાર રાખવો પડશે.

અત્યાર જેવી જ પરિસ્થિતિ ૧૯૯૪-૯પ ની રાજયસભાની ચૂંટણીમાં ઉભી થઇ હતી તે વખતે કોંગ્રેસ અને ચીમનભાઇ પટેલની સંયુકત સરકાર હતી તે સમયે શકિતસિંહ ગોહીલ સરકારમાં મંત્રી હતાં. માધવસિંહજી સોલંકીનો પણ દબદબો હતો.

તે સમયના ચીમનભાઇ પટેલના ખાસ સાથીદાર જે. વી. શાહ પણ ઉમેદવાર હતા પરંતુ એકડા-બગડાની સોગઠાબાજીમાં માધવસિંહ સોલંકીએ ૪પ એકડા લઇ લેતા જે. વી. શાહની જીતની બાજી હારમાં પલ્ટાઇ ગઇ હતી. આ ચૂંટણીમાં એકડા-બગડાની ગોઠવણે હાર-જીતમાં મોટો ભાગ ભજવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજયસભાની ચાર બેઠક માટે ચૂંટણી છે ત્યારે જે ઉમેદવાર સૌથી વધુ એકડા મેળવીને પ્રથમ નંબરે વિજેતા થાય તેના જ બગડા અત્યંત મહત્વનો ભાગ ભજવતા હોય છે.

માત્ર પ્રથમ નંબરે વિજેતા થનારના બગડા એકડા જેવા જ કિંમતી બની જાય છે અને હારી રહેલા પક્ષના અન્ય ઉમેદવારને જીત માટે ધકકો મારી શકે છે.

હવે હાલની રાજયસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પોતાના એક ઉમેદવાર પ્રથમ નંબરે વિજેતા થાય અને નીચેના ક્રમના ઉમેદવારો વચ્ચે તીવ્ર રસાકસી થાય તો બગડાની ઉપયોગીતાનો ફાયદો ઉઠાવવા માટેના દાવ, ત્રાગા, પ્રપંચ ગોઠવાઇ રહ્યા છે. (પ-૧૪)

(12:05 pm IST)