Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

હવે ગુજરાત પોલીસ 'માસ્ક' પહેરી ફરજ બજાવશે

ગુજરાતમાં મહેસાણા-અમદાવાદથી અમલઃ લોકોની જાનમાલની સુરક્ષા કરતા જવાનોને સ્વસ્થ રાખવા નિર્ણય : હાથ ધોયા બાદ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશેઃ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા ખાસ તાલીમ અપાઇઃ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા

રાજકોટ, તા., ૧૮: સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસને કારણે ફેલાયેલ ભય અને તે સામે સાવચેતીના લેવાતા પગલાઓ  સામે ગુજરાતમાં રાખવામાં આવેલી  સાવચેતીના પગલે હવે જેની ફરજ કપરી છે તેવા ગુજરાત પોલીસ જવાનોને પણ માસ્ક પહેરી ફરજ બજાવવા માટે મહેસાણા બાદ  હવે અમદાવાદ પોલીસે પણ સુચના આપવા સાથે તકેદારીના પગલા લેવા તાકીદ કરી છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં  અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવેલ કે જેના પર લોકોના જાનમાલની જવાબદારી છે અને જેને ભાગે કપરી ફરજ બજાવવાની હોય છે તેવા પોલીસ  જવાનો પોતે સ્વસ્થ રહે તે બાબત ધ્યાને લઇ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના નિષ્ણાંતો દ્વારા કોરોના વાયરસ  સંદર્ભે લેવાના પગલા માટે જાણકારી આપવામાં આવી હતી.

કોરોના વાયરસ શું છે? તે કેવી રીતે પ્રસરે છે અને તેને અટકાવવા માટે શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઇએ? તે માહીતી સાથે લોકો સાથેના સંપર્ક દરમિયાન કઇ કઇ વસ્તુની કાળજી લેવી તે બાબતે પણ પોલીસને સારી રીતે તાલીમ આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસમેન પ્રવેશ કરે તે પહેલા સેનેટરાઇઝથી વ્યવસ્થિત રીતે હાથ ધોયા બાદ જ ફરજ શરૂ કરવી તેવું પણ સુચવવામાં આવ્યું છે.

આ અગાઉ મહેસાણા જીલ્લા પોલીસ વડા મનીષસિંઘ દ્વારા પોલીસ સ્ટાફને માસ્ક વગર ફરજ ન બજાવવા માટે સુચવવા સાથે  માસ્ક માટેની વ્યવસ્થા પણ તંત્ર કરી આપશે  તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતભરમાં હવે પોલીસ માસ્ક સાથે નજરે પડશે.

દરમિયાન વિધાનસભામાં જેલ કેદીઓ દ્વારા તૈયાર થયેલ માસ્ક અને અન્ય પગલાઓની માહિતી પણ રજુ થનાર છે. રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કોરોના વાયરસ સંદર્ભે જેલમાં અલગ આઇસોલેટેડ વોર્ડ ચાલુ કરવા સાથે કેદીઓને જાગૃત કરવા, જેલ તબીબોને વધુ તાલીમ આપવી તથા ખાસ યુનીટ દ્વારા માસ્ક રાજયભરની જેલો સાથે સરકારના અન્ય ખાતાઓમાં પણ આપી શકાય તે માટેના ત્વરીત લેવાયેલા પગલાની પ્રશંસા થઇ રહી છે.

(11:55 am IST)