Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વડગામના છાપી નજીક દારૂ ભરેલ કારને અકસ્માત :ચાલક ફરાર :દારૂ સહિત ૨ ,૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ પહોંચે તે પૂર્વે કારમાંથી લોકો દારૂની પેટીઓ ઉઠાવી ગયાની ચર્ચા

પાલનપુર મહેસાણા હાઇવે પર વડગામ પાસેના છાપી નજીક આવેલા મહેંદીપુરાના પાટિયા પાસે પાલનપુર તરફ જતી એક કારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો. કારમાંથી  દારૂ ભરેલ હોઈ પોલીસે ચાર પેટી દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો

  આ અંગેની વિગત મુજબ પાલનપુર મહેસાણા હાઇવે ઉપર વડગામના છાપી નજીક આવેલા મહેંદીપુરા હાઇવે ઉપર સિધ્ધપુર તરફથી આવતી એક કાર ગેરકાયદેસર દારૂ ભરીને પાલનપુર તરફ જતી હતી તે દરમિયાન કોઈક અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરતા કારની ડીકીમાંથી ચાર પેટી દારૂ ( કિંમત રૂપિયા ૧૯૨૦૦) મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા ૨૬૯૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી ફરાર કાર ચાલકની અટકાયત કરવા ચક્રો ગતિમાન કરવા સાથે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

   મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચે તે પૂર્વે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને કારમાં દારૂ હોવાની જાણ થતાં લોકો દારૂની પેટીઓ સહિત બોટલો લૂંટીને ભાગી ગયા હતા. જેથી પોલીસે દારૂની લૂંટ કરનાર ઈસમોની પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(7:42 pm IST)